16 December, 2025 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુજ સચદેવા
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ તેમ જ ‘સાથ નિભાના સાથિયા’ જેવી લોકપ્રિય ટીવી-સિરિયલમાં કામ કરી ચૂકેલ અનુજ સચદેવા પર રવિવારે સાંજે હુમલો થયો હતો. આ મામલે બાંગુરનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અનુજે પોતે જ આ મારઝૂડનો વિડિયો રેકૉર્ડ કરીને જણાવ્યું છે કે મારા પર સોસાયટીમાં રહેતી એક વ્યક્તિએ હુમલો કર્યો છે. વિડિયોમાં સંભળાઈ રહેલા ઑડિયો અનુસાર આ વિવાદ કૂતરાઓને કારણે થયો છે. હકીકતમાં વિડિયોમાં જે વ્યક્તિ અનુજને માર મારી રહી છે તેનો આરોપ છે કે અનુજે પોતાના પાળેલા કૂતરાને મને કરડવાનું કહ્યું છે. આના જવાબમાં અનુજ કહે છે કે મેં તને કૂતરાથી કરડાવ્યો નથી.
અનુજે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી આ વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક વ્યક્તિ તેને અપશબ્દો કહેતી અને લાકડી વડે માર મારતી જોવા મળી રહી છે. આ વિડિયોમાં લોહીલુહાણ અનુજે કહ્યું હતું કે આ માણસે મને માર માર્યો છે. આ વિડિયો પોસ્ટ કરતી વખતે અનુજે કહ્યું હતું કે ‘આ વ્યક્તિ મને કે મારી સંપત્તિને કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે એ પહેલાં હું આ પુરાવો અહીં પોસ્ટ કરી રહ્યો છું. આ વ્યક્તિએ સોસાયટીમાં ખોટી જગ્યાએ ગાડી પાર્ક કરવા બાબતે મારા કૂતરા અને મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. કૃપા કરીને તેને એવા લોકો સાથે શૅર કરો જેઓ તેના પર કાર્યવાહી કરી શકે. મારા માથામાંથી લોહી વહી રહ્યું છે.’