તુકારામ મુંઢેનો સપાટો : મુંબઈની ૬ હોટેલનાં લાઇસન્સ કૅન્સલ કર્યાં

01 July, 2026 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નરીમાન પૉઇન્ટની પૉશ ગણાતી ફ્લિન્ટ અને વારસા રેસ્ટોરાં પણ લપેટમાં આવી

તુકારામ મુંઢે

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ જે હોટેલો, દુકાનો કે ખાવાની સામગ્રી વેચતા સ્ટૉલ્સ સ્વચ્છતા સહિતના FDAના નિયમો નથી પાળતા એમની સામે કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે. નિયમ પાળો નહીં તો કાર્યવાહીનો સામનો કરો એવી સ્પષ્ટ ચીમકી તુકારામ મુંઢેએ આપી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવતાં ચેડાં નહીં ચલાવી લેવાય એવી ચેતવણી આપતાં મુંબઈની નામાંકિત ૬ હોટેલોનાં લાઇસન્સ કૅન્સલ કરી દીધાં છે.

FDAએ સોમવારે મુંબઈની ૬ જાણીતી હોટેલો સામે કાર્યવાહી કરી હતી અને એમનાં લાઇસન્સ પણ કૅન્સલ કર્યાં હતાં. આ કાર્યવાહી હેઠળ નરીમાન પૉઇન્ટ પર આવેલી આદિત્ય બિરલા ગ્રુપની આદિત્ય બિરલા ન્યુ એજ રેસ્ટોરાં ઍન્ડ કૅફે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવાતી ફ્લિન્ટ અને વારસા રેસ્ટોરાંનું ૨૭ જૂને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યાં વાનગીઓનું મિસબ્રૅન્ડિંગ થતું હોવાનું એટલે કે દર્શાવ્યા મુજબના પદાર્થો ફૂડમાં વાપરવામાં આવ્યા નહોતા એવું જણાઈ આવ્યું હતું. એટલે તુકારામ મુંઢેએ આદેશ આપતાં હોટેલનું લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યું છે. અન્ય હોટેલો પર પણ કાર્યવાહી કરીને તેમનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યાં છે. 

કઈ હોટેલમાં શું મળ્યું?

સાંતાક્રુઝ-ઈસ્ટની ગોપાલ ક્રિષ્ના હોટેલના કિચનમાં ઉંદર ફરી રહ્યા હતા.
અંધેરીના કરાક એન્ટરપ્રાઇઝ નામના જાણીતા કિચન અને સ્ટોરેજ 
સેન્ટરમાં મોટી સંખ્યામાં વાંદા મળી આવ્યા હતા. 
બાંદરાની સેલિબ્રિટીઝની માનીતી મદ્રાસ ડાયરીઝ હોટેલમાં સ્વચ્છતાના કોઈ પણ નિયમ પાળવામાં આવતા નહોતા. 
બોરીવલીની એમ. કે. બેકરીનું રિનોવેશન ચાલી રહ્યું છે. ધૂળ અને માટી વચ્ચે પણ ખાવાની આઇટમો બની રહી હતી. આ ઉપરાંત લેબલ ન લગાડ્યાં હોય એવી પણ વાનગીઓ મળી આવી હતી.
ભાંડુપની જાણીતી હોટેલ શ્રીક્રિષ્નાના ફ્રિજની હાલત બહુ જ ખરાબ હતી અને એ લોકોની હેલ્થ માટે જોખમી હતું તેમ જ સ્વચ્છતામાં પણ અનેક ત્રુટિઓ મળી આવી હતી. 

mumbai news mumbai food and drug administration maharashtra news maharashtra government maharashtra Crime News mumbai crime news hotel and restaurant