મૉન્સૂનના અનેક ફેવરિટ સ્પૉટ પર ટૂરિસ્ટોને નો એન્ટ્રી ફરમાવી પુણે પ્રશાસને

25 June, 2025 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદને કારણે લીલી વનરાજી અને ધોધમાર વરસાદની મજા સાથે નદી અને ધોધમાં નાહવાની મજા લેવા મોટી સંખ્યામાં લોકો નીકળી પડતા હોય છે.

તોરણા ફોર્ટ

કોંકણ અને ઘાટ વિસ્તારમાં વરસાદનું હાલ જોર છે. મૉન્સૂનમાં અનેક મુંબઈગરા મહારાષ્ટ્રના કિલ્લાઓ પર ટ્રેકિંગ કરવા જાય છે. વરસાદને કારણે લીલી વનરાજી અને ધોધમાર વરસાદની મજા સાથે નદી અને ધોધમાં નાહવાની મજા લેવા મોટી સંખ્યામાં લોકો નીકળી પડતા હોય છે. જોકે ભેખડો ધસી પડવાની શક્યતા અને માટીવાળા ચીકણા થઈ ગયેલા રોડ પરથી પણ લસરી પડવાનું જોખમ હોવાથી પુણે પ્રશાસને રાજગડ, તોરણા કિલ્લાઓ સહિત મઢેઘાટ અને અનેક ડૅમ વિસ્તારમાં ટૂરિસ્ટોના જવા પર બંધી મૂકી દીધી છે. તાત્કાલિક ધોરણે અમલમાં મુકાયેલી આ બંધી ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

ઉપરોક્ત ટૂરિસ્ટ સ્પૉટ પર સામાન્યપણે બહુ જ ગિરદી થતી હોય છે. આ વર્ષે ઑલરેડી વરસાદનું જોર વધારે હોવાથી અનેક જગ્યાએ રસ્તા ખરાબ થઈ ગયા છે. પગદંડીઓ પણ ખવાઈ ગઈ છે, સરકી જવાય એવી જોખમી બની ગઈ છે. જ્યારે કેટલીક જગ્યાએ ભેખડો ધસી પડવાનો ડર છે. એથી જાનહાનિ ન થાય એ માટે સાવચેતીના પગલારૂપે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમ ભોરના ઉપવિભાગીય અધિકારી ડૉ. વિકાસ ખરાતે જણાવ્યું હતું.

monsoon news mumbai monsoon news mumbai mumbai news raigad maharashtra maharashtra news