10 August, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતાપ સરનાઇક
મહારાષ્ટ્રના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે રવિવારે પત્રકાર-પરિષદને સંબોધતી વખતે બિનમરાઠી હોય એવા રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે વ્યાવહારિક મરાઠી ભાષા ફરજિયાત આવડવાની મુદત વધારવામાં નહીં આવે એવી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે સામાન્ય મરાઠી ન આવડતું હોય એવા રિક્ષા-ટૅક્સીચાલકો વિરુદ્ધ ૧૫ ઑગસ્ટ પછી કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનાઓથી મરાઠી ભાષાના સંવર્ધન માટે કામ કરતી સ્વયંસેવી સંસ્થાઓ, સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા આખા મુંબઈમાં બિનમરાઠી, પરપ્રાંતીય રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવવા માટે ટ્રેઇનિંગ-સેશન રાખવામાં આવ્યાં છે. તેમને મરાઠી ભાષા ફરજિયાત આવડવી જોઈએ એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે છેલ્લી તારીખ ૧૫ ઑગસ્ટ નક્કી કરવામાં આવી હતી. ૧૫ ઑગસ્ટ બાદ તેમને સામાન્ય મરાઠી પણ ન આવડતું હોય એવું જણાશે તો તેમના કમર્શિયલ વ્હીકલનું રજિસ્ટ્રેશન તથા લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.