06 February, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ હેઠળની કાશીમીરા ટ્રાફિક-પોલીસે ૨૦૨૫માં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ કુલ ૯૩,૦૯૮ કેસ નોંધ્યા હતા અને ૭.૮૭ કરોડ રૂપિયાનો ફાઇન માર્યો હતો. જોકે હકીકતમાં એમાંથી માત્ર ૩૭ ટકા એટલે કે ૨.૭૭ કરોડ રૂપિયા જેટલી રકમ જ દંડ તરીકે વસૂલી શકાઈ છે. બાકીની ૫.૧૦ કરોડ રૂપિયાની રકમ હજી સુધી વસૂલ કરવાની બાકી છે.
હેલ્મેટ ન પહેરવી, ટ્રાફિક-સિગ્નલ જમ્પ કરવું, નો એન્ટ્રીમાં વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવી, બેદરકારીપૂર્વક જોખમી રીતે વાહન ચલાવવું, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું અને સીટ-બેલ્ટ ન પહેરવો જેવા ટ્રાફિકના નિયોમોનો ભંગ કરનારા ડ્રાઇવરોને એ ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. કુલ ૯૩,૦૯૮ કેસમાંથી ફક્ત ૩૪,૩૦૫ વાહનધારકોએ ચલાનને ગંભીરતાથી લઈને દંડની રકમ ભરી હતી. નોંધવાની બાબત એ હતી કે ખાસ કરીને રવિવારે, રજાના દિવસોમાં અને તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાના કેસ વધુ નોંધાયા હતા.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર ટ્રાફિક-પોલીસે હાઇવે પર અકસ્માત ઓછા થાય એ માટે જે હેવી વ્હીકલ્સ પર રિફ્લેક્ટર સ્ટિકર (લાલ અથવા પીળા રંગનું સ્ટિકર, જેના પર રાતે થોડી જ લાઇટ પડવા છતાં એ ચળકી ઊઠે છે એટલે પાછળ આવતાં વાહનોને આગળ વાહન જઈ રહ્યું હોવાની જાણ થાય છે) ન લગાવ્યાં હોય એમના પર સ્ટિકર લગાવવાની ઝુંબેશ શરૂ કરી છે. એની સાથે જ હેવી વાહનચાલકોને પણ એ લગાવવાનું કહેવામાં આવી રહ્યું છે. એક વખત તેમને આ બાબતે સમજણ આપીને છોડવામાં આવે છે, પરંતુ બીજી વખત પણ જો રિફ્લેક્ટર લગાડ્યા સિવાય વાહન પકડાય તો ૧૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.