UPI સામે વેપારીઓની અનોખી ગાંધીગીરી

23 September, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૦ રૂપિયા કરતાં વધુના UPI પેમેન્ટ પર ૦.૪ ટકા MDR ભરવાના વિરોધમાં બીજી ઑક્ટોબરે કોઈ પણ વેપારી ઑનલાઇન પેમેન્ટ નહીં સ્વીકારે

વેપારીઓએ બનાવેલું પોસ્ટર.

સરકારે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા કોઈ પણ ખરીદી પર કરવામાં આવતા ૨૦૦૦ રૂપિયા કરતાં વધુના પેમેન્ટ પર હવે ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લેવાનું ઠેરવ્યું છે, જેનો વેપારીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ સરકારને આ MDR હટાવી લેવા જણાવી રહ્યા છે. હવે આ માટે વેપારીઓ ગાંધી જયંતીના દિવસે બીજી ઑક્ટોબરે NO UPI DAYનું આંદોલન કરવાના છે. એ દિવસે તેઓ UPIથી એક પણ પેમેન્ટ નહીં સ્વીકારે એટલું જ નહીં, વેપારીઓને હાકલ કરવામાં આવી છે કે તેમની આ લડતની જાણ આમ જનતાને થાય એ માટે દરેક દુકાનદાર તેની દુકાનના એન્ટ્રન્સ અને કૅશ કાઉન્ટર પર આ પોસ્ટર લગાડે.

વેપારીઓને હાકલ કરતાં કહેવાયું છે કે એક વેપારીનો અવાજ કદાચ ન સંભળાય, પણ જ્યારે લાખો વેપારીઓ એકસાથે આ આંદોલન કરશે ત્યારે સરકારે આખરે તેમની માગણી માનવી જ પડશે. 
આ બાબતે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘અમે ફાઇનૅન્સ મિનિસ્ટ્રી દ્વારા લાદવામાં આવેલા આ UPI ટ્રાન્ઝૅક્શન ચાર્જનો સખત વિરોધ કરીએ છીએ. વેપારીઓ પર આ રીતનો વધારાનો બોજ નાખવો ખોટું છે. એને કારણે લોકો ફરી એક વાર કૅશમાં વ્યવહાર કરશે. પેમેન્ટ માટે UPI અસરકારક, ટ્રાન્સપરન્ટ અને સેફ માધ્યમ છે. એના વપરાશ પર ચાર્જિસ ન નાખવા જોઈએ. અત્યાર ભલે એ ચાર્જિસ સાવ મામૂલી લાગતા હોય, પણ આગળ જતાં શક્ય છે કે સરકાર માટે એ આવકનું મુખ્ય સાધન બને અને એમાં વધારો પણ થાય. અમારું કહેવું છે કે UPI ટ્રાન્ઝૅક્શન પર કોઈ પણ ચાર્જિસ ન હોવા જોઈએ.’ 

mumbai news mumbai business news finance news