નવી મુંબઈની APMC માર્કેટોનું વેપારીઓની મરજી વગર કોઈ સ્થળાંતર કરાવી શકશે નહીં

24 July, 2025 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું આશ્વાસન કામદાર નેતા અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના મહારાષ્ટ્રના નવા અધ્યક્ષ શશિકાંત શિંદેએ ગ્રોમા દ્વારા યોજાયેલા સત્કાર સમારંભમાં આપ્યું

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના મહારાષ્ટ્રના નવા અધ્યક્ષ અને માથાડી કામદાર નેતા શશિકાંત શિંદેનો સત્કાર કરી રહેલા ગ્રોમાના પદાધિકારીઓ.

નવી મુંબઈના વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટોનું સ્થળાંતર કરવાનો કોઈ મુદ્દો હાલમાં મહારાષ્ટ્ર સરકાર વિચારી રહી નથી અને આ માર્કેટોનું વેપારીઓની મરજી વગર કોઈ સ્થળાંતર કરાવી શકશે નહીં એવું ખાતરીપૂર્વકનું આશ્વાસન નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના મહારાષ્ટ્રના નવા અધ્યક્ષ અને માથાડી કામદાર નેતા શશિકાંત શિંદેએ મંગળવારે ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA-ગ્રોમા) દ્વારા યોજવામાં આવેલા તેમના સન્માન સમારંભમાં વેપારીઓને આપ્યું હતું.

આ અગાઉ વેપારીઓના સ્થળાંતરના મુદ્દે વિરોધ શરૂ કરવામાં આવતાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે પણ આવું જ આશ્વાસન આપ્યું હતું અને તેમણે પણ કહ્યું હતું કે તેઓ વેપારીઓને વિશ્વાસમાં લીધા સિવાય કોઈ નિર્ણય લેશે નહીં એમ જણાવતાં ગ્રોમાના પ્રમુખ ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોકે અમને વેપારીઓને મળી રહેલા સમાચારો મુજબ સરકાર તરફથી આ પ્રકારની ગતિવિધિઓ ચાલુ છે. છેલ્લા થોડા મહિનાઓથી એવા સમાચાર આવી રહ્યા છે કે નવી મુંબઈની APMC માર્કેટોને ૪૦ વર્ષ પછી એમના વર્તમાન સ્થાનની બહાર ખસેડવામાં આવી શકે છે. આ અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર લિમિટેડ (CIDCO) અને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને નવી મુંબઈની બહાર APMC બજાર માટે નવી જગ્યા શોધવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશને ૧૪ ગામો સૂચવ્યાં છે. અમને મળી રહેલા સમાચાર મુજબ આ બાબતની ચર્ચાઓમાં ઉલવે અથવા પાલઘર નજીકનાં સંભવિત સ્થાનોનો પણ સમાવેશ થાય છે.’

નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હાલમાં નવી મુંબઈમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો હોવાનું જણાવીને નવી જમીન શોધવાનું ચાલુ કરવામાં આવ્યું છે એવી અમને જાણકારી મળી છે એમ જણાવતાં ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘ભૂતકાળમાં સરકારે ટ્રાફિકનું કારણ આપીને વેપારીઓને મસ્જિદ બંદરથી નવી મુંબઈ સ્થળાંતર કર્યા હતા. આજે પાંચ બજારોના ૫૦૦૦ જેટલા વેપારીઓ અને ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ જેટલા ગુમાસ્તાઓ, માથાડી કામદારો, ટ્રાન્સપોર્ટરો અને તેમના પરિવારોનું સ્થળાંતર કરવું સહેલું નથી. સરકાર અમને અહીંના વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર આ કામ કેવી રીતે કરી શકે? આ કારણે જ મંગળવારના સત્કાર સમારંભમાં શશિકાંત શિંદે સમક્ષ પણ અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમ જ માર્કેટની અન્ય સમસ્યાઓની પણ તેમને જાણકારી આપી હતી.’

શશિકાંત શિંદેને શું કહ્યું વેપારીઓએ?

શશિકાંત શિંદેને અમે કહ્યું હતું કે APMC માર્કેટના સ્થળાંતરને કારણે નવી મુંબઈ શહેરનો વિકાસ થયો હોવા છતાં હવે સરકાર વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર APMC માર્કેટનું ફરીથી સ્થળાંતર કરવા બાબતે વિચારી રહી છે એવી જાણકારી આપતાં ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘હાલના આધુનિક સમયમાં ઈ-કૉમર્સ  સાથે વેપારીઓ હરીફાઈ કરી શકતા નથી. વેપારીઓનો ૮૦ ટકા જેટલો વેપાર ઓછો થઈ ગયો છે. હવે તો વેપારીઓના અસ્તિત્વનો જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ત્યારે હવે સ્થળાંતર અહીંના વેપારીઓને અન્યાય છે જેનો ઉગ્ર વિરોધ કરવા તેઓ તૈયારી કરી રહ્યા છે. વેપારીઓ કોઈ પણ પરિસ્થિતિમાં સ્થળાંતર કરવા તૈયાર થવાના નથી.’

મંગળવારે શશિકાંત શિંદેના સત્કાર સમારંભમાં ગ્રોમાના પ્રમુખ ભીમજી ભાનુશાલી, ઉપપ્રમુખ મહેન્દ્ર ગજરા અને અમૃતલાલ જૈન, સેક્રેટરી મનીષ દાવડા અને નીલેશ વીરા તેમ જ કાર્યવાહક સમિતિના સભ્યો અને બજારના અગ્રણી વેપારીઓ, દલાલો, ગુમાસ્તાઓ, માથાડી કામદારો અને ટ્રાન્સપોર્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

navi mumbai vashi congress devendra fadnavis maharashtra maharashtra news political news news mumbai mumbai news