01 September, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટિટવાલામાં રહેતી ૨૩ વર્ષની યુવતીએ બૉયફ્રેન્ડ સાથે ચાલુ વિડિયોકૉલે વાત કરતાં-કરતાં જ આત્મહત્યા કરી હતી. યુવતીનો બૉયફ્રેન્ડ તેને ત્રાસ આપતો હતો અને બ્લૅકમેઇલ કરતો હોવાનું યુવતીના પરિવારજનોએ કહ્યું હતું.
આત્મહત્યા કરનાર યુવતી અને તેનો બૉયફ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર મળ્યાં હતાં. ત્યાર બાદ તેઓ પ્રેમસંબંધમાં આગળ વધ્યાં હતાં. દરમ્યાન બૉયફ્રેન્ડે યુવતી પાસેથી અનેક વાર તેના દાગીના પડાવ્યા હતા. યુવતી દાગીના પાછા માગતી ત્યારે બૉયફ્રેન્ડ યુવતીના પ્રાઇવેટ વિડિયો જાહેર કરી દેવાની ધમકી આપતો હતો. બૉયફ્રેન્ડનો અત્યાચાર સહન ન થતાં યુવતીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે આત્મહત્યા કરી ત્યારે બૉયફ્રેન્ડ સાથે વિડિયોકૉલ ચાલુ રાખ્યો હતો. આ યુવકે બીજી ઘણી યુવતીઓ સાથે પણ આ રીતે છેતરપિંડી કરી હોવાનો યુવતીના પરિવારજનોએ આરોપ મૂક્યો હતો.
પોસ્ટમૉર્ટમ વગર જ યુવતીની અંતિમ ક્રિયા પતાવી દેવામાં આવી હતી અને યુવતીના પરિવારજનોએ હજી સુધી આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો નથી એમ ટિટવાલા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું. ગુરુવારે બનેલા આ બનાવ બાદ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.