✕

ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ બન્ને શૂટરોની કબૂલાત

30 October, 2026 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે ઇચ્છતા હોત તો ટાઇગર શ્રોફને ફુટબૉલના મેદાનમાં જ મારી શક્યા હોત, પણ અમારે તેનો જીવ નહોતો લેવો; બૉલીવુડને ફક્ત ડરાવવું હતું

લૉરેન્સ બિશ્નોઈ

ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા બન્ને શૂટર ફૂલ સિંહ અને રેહાને આ કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચને પૂછપરછ દરમ્યાન આ હુમલા પાછળનો મૂળ હેતુ જણાવ્યો હતો. ખરેખર તેમનો ઉદ્દેશ ટાઇગર શ્રોફને મારવાનો નહીં પરંતુ બૉલીવુડને ફક્ત ડરાવવાનો અને તેના મનમાં ભય પેસાડવાનો હોવાનું બન્ને હુમલાખોરોએ તપાસકર્તાઓને જણાવ્યું હતું. 
બન્ને શૂટર્સે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરતાં કહ્યું હતું કે તેમની પાસે ટાઇગર શ્રોફ જ્યારે ગ્રાઉન્ડ પર ફુટબૉલ રમી રહ્યો હતો ત્યારે તેને મારી નાખવાનો મોકો હતો. એ વખતે તેની આસપાસ કોઈ સિક્યૉરિટી ગાર્ડ નહોતા. જો તેઓ ખરેખર ટાઇગર શ્રોફને મોતને ઘાટ ઉતારવા માગતા હોત તો તે ગ્રાઉન્ડ પર કોઈ સિક્યૉરિટી વિના રમી રહ્યો હતો ત્યારે જ તેના પર હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ શક્યા હોત, પરંતુ તેમણે એમ ન કર્યું કારણ કે તેઓ ફક્ત તેને ડરાવવા માગતા હતા. 
શૂટરોએ વટાણા વેરતાં ક્રાઇમ બ્રાન્ચને કહ્યું હતું કે અમને ફક્ત ટાઇગર શ્રોફને ડરાવીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ ઊભો કરવાની જ સૂચના આપવામાં આવી હતી. જોકે ખરેખર તેમના દાવા સાચા છે કે નહીં એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ ઉપરાંત આ કાવતરાનો મૂળ હેતુ અને આમાં હજી લોકો સંડોવાયેલા છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ટાઇગર શ્રોફ પરના હુમલામાં લૉરેન્સ બિશ્નોઈની સંડોવણી ન હોવાનો વકીલનો બચાવ, કહ્યું...બિશ્નોઈ એક બ્રૅન્ડ બની ગયો છે, તેના નામે કોઈ પણ ચરી ખાય છે

સાબરમતી જેલમાં કેદ ભોગવી રહેલા ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના વકીલે ટાઇગર શ્રોફ પર થયેલા હુમલામાં લૉરેન્સ બિશ્નોઈની કોઈ પણ પ્રકારે સંડોવણી ન હોવાની સ્પષ્ટતા કરી છે. ટાઇગર શ્રોફ જ નહીં, બૉલીવુડની સેલિબ્રિટીઝ પર થયેલા કોઈ પણ હુમલા સાથે લૉરેન્સને કંઈ પણ લેવા-દેવા ન હોવાનું તેના વકીલ કુલદીપ શર્માનું કહેવું છે. 
કુલદીપ સિંહે લૉરેન્સના નામે ગુનાઓ કરવામાં આવતા હોવાનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘લૉરેન્સ એક બ્રૅન્ડ બની ગયો છે અને તેની ગૅન્ગના સભ્યો પોતાની રીતે કામ કરે છે. ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી લેનારા અમેરિકામાં રહેતા અનિલ પંડિતને લૉરેન્સ ક્યારેય મળ્યો નથી. સેલિબ્રિટીઝ પર હુમલો કરનારા કોઈએ પણ અત્યાર સુધી તેમણે લૉરેન્સના કહેવા પર હુમલો કર્યાનું કહ્યું નથી. લૉરેન્સની ગૅન્ગના સભ્યો પોતે જ નિર્ણય લઈને કંઈ પણ કરે તો એનો આદેશ લૉરેન્સે આપ્યો છે એમ ન કહી શકાય.’ 

હોટેલ-ગેસ્ટહાઉસનું રજિસ્ટર ચેક કરવાનો ATCને આદેશ
ટાઇગર શ્રોફ પર હુમલો કરનારાઓએ નકલી આધાર કાર્ડ આપીને અંધેરી અને દાદરમાં રૂમ બુક કરાવ્યો હોવાનું જણાયા બાદ મુંબઈ પોલીસે શહેરનાં ૯૮ પોલીસ-સ્ટેશનના ઍન્ટિ-ટેરરિઝમ સેલ (ATC)ને બધી જ હોટેલો અને ગેસ્ટહાઉસનું રજિસ્ટર ચેક કરીને એમાં રોકાયેલા ગેસ્ટની આધાર ડીટેલ્સ ચકાસવાનો નિર્દેશ આપ્યો છે. જોકે જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (JCP)એ આ એક રેગ્યુલર એક્સરસાઇઝ હોવાનું જણાવ્યું હતું. ટાઇગર શ્રોફ પર હુમલા બાદ આ પ્રકારે નકલી આધાર કાર્ડનો ઉપયોગ રૂમ બુક કરાવવા થતો હોવાનું ધ્યાનમાં આવતાં આ નિર્દેશ અપાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ટર્કીમાં બનેલી પિસ્ટલ હુમલાખોરોને કોણે પહોંચાડી?
અત્યાધુનિક ગણાતી અને ટર્કીમાં બનેલી સેમી-ઑટોમૅટિક તથા સૉફિસ્ટિકેટેડ હૅન્ડગનમાં જેનો સમાવેશ થાય છે એવી ઝિગાના પિસ્ટલ હુમલાખોરોના હાથમાં કઈ રીતે લાગી એ જાણવાનો પ્રયાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. હુમલાખોરોએ ૨.૫૦ લાખ રૂપિયામાં પંજાબના અમૃતસરથી પિસ્ટલ તથા ૨૦ રાઉન્ડ ખરીદ્યા હતા. આ પ્રકારનાં અત્યાધુનિક હથિયારો ગુનેગારો સુધી પહોંચી શકે છે એ ગંભીર બાબત હોવાથી હથિયારોની સપ્લાય-ચેઇન શોધવાનો પ્રયાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

લૉરેન્સની આસપાસ ફરકવું પણ શક્ય નથી, ૧૫ સિક્યૉરિટી ગાર્ડ ૨૪ કલાક તહેનાત હોય છે
રોહિત શેટ્ટીથી માંડીને સલમાન ખાન અને ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા સાથે લૉરેન્સને કોઈ સંબંધ નથી એમ જણાવીને કુલદીપ શર્માએ કહ્યું હતું કે ‘લૉરેન્સ સાબરમતી જેલમાં છે અને હુમલો કરાવનારા વિદેશમાં બેઠા છે. લૉરેન્સને વ્યક્તિગત રીતે મળવું શક્ય જ નથી. લૉરેન્સ પર સતત બાજનજર રાખવામાં આવે છે અને સુરક્ષા એટલી કડક છે કે ગાર્ડ્‍સ પણ તેની નજીક નથી જઈ શકતા. તેની આસપાસ હંમેશાં દસથી ૧૫ સિક્યૉરિટી ગાર્ડ ૨૪ કલાક હોય જ છે. લૉરેન્સનો આખો દિવસ પૂજા, હવન અને કસરત કરીને જ પસાર થાય છે.’ 

mumbai news mumbai mumbai crime news Crime News crime branch tiger shroff lawrence bishnoi mumbai crime branch