ચેમ્બુરની ઘટના માટે જવાબદાર ત્રણ અધિકારી સસ્પેન્ડ

02 July, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૂલબસ પર વૃક્ષ પડવાની ઘટના માટે BMCનાં કમિશનરે તપાસ-સમિતિ નીમી, ૮ દિવસમાં અહેવાલ આપવાનો આદેશ

મંગળવારે એકના એક દીકરાના મૃત્યુ બાદ વિહાન શ્રીવાસ્તવની મમ્મી જુહી દીકરાનું ક્રિકેટ બૅટ પકડીને આઘાતમાં બેસી રહી હતી અને સતત એવું બોલતી હતી કે વિહાને ક્રિકેટ રમવા જવાનું છે.

મંગળવારે બપોરે ચેમ્બુરના ડાયમંડ ગાર્ડન નજીક એક સ્કૂલબસ પર પીપળાનું વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનું ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત્યુ થયું હતું. આ ૬૦ વર્ષ જૂનું ઝાડ નજીકના રસ્તાના કૉન્ક્રીટિકરણને કારણે નબળું પડ્યું હોવાનો રહેવાસીઓનો અને BMCની ગાર્ડન કમિટીનો દાવો હતો. તેથી યોગ્ય તપાસ બાદ ગઈ કાલે BMCએ અસિસ્ટન્ટ ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ સહિત ૩ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આપેલા આદેશ મુજબ આ અધિકારીઓ પર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલે ત્યાં સુધી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લઈને કેસની ઊંડી તપાસ માટે તાત્કાલિક એક ઉચ્ચસ્તરીય તપાસ-સમિતિની રચના કરી છે. આ સમિતિને ૮ દિવસની અંદર પોતાનો વિગતવાર અહેવાલ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમિતિને ઘટના પાછળનાં કારણો શોધવા માટે પ્લાન્ટ-સાયન્ટિસ્ટ્સની સલાહ લેવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે યોગ્ય ભલામણો રજૂ કરવા સૂચના અપાઈ છે.

મહત્ત્વની વાત એ છે કે BMCના સર્વેક્ષણ મુજબ આ વૃક્ષ બહારથી મજબૂત સ્થિતિમાં જણાતું હતું અને ચોમાસા પહેલાં ૨૯ મેએ એનું ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું હતું. 

mumbai news mumbai chembur mumbai crime news monsoon news brihanmumbai municipal corporation maharashtra news maharashtra