૩ ગઠિયાઓએ ચીરાબજારમાં પોલીસ બનીને પચીસ લાખ રૂપિયાના દાગીના પડાવી લીધા

30 August, 2026 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

પ્રતીકાત્મક તસવીર

બે મોટરસાઇકલ પર આવેલા ૩ લોકોએ ચીરાબજારમાં એક જણ પાસેથી સોના અને હીરાના પચીસ લાખ રૂપિયાના દાગીના પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે લોકમાન્ય ટિળક (LT) માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

પોલીસે જણાવ્યા અનુસાર ફરિયાદી LT માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર આવેલા આરોપીઓએ પોતે પોલીસ હોવાનું જણાવીને તેની પાસે રહેલા દાગીના લઈ લીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ ફરિયાદીને રોક્યો હતો અને તેની પાસે રહેલી બૅગની તપાસ કરી હતી. એમાં દાગીના હોવાની ખાતરી કરીને એ ઝૂંટવી લીધી હતી. 

ત્રણેય આરોપીઓને શોધવા માટે પોલીસે ઘટના બની એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં વિડિયો-ફુટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી 
ડિલિવરી-મૅન છે અને બે વેપારીઓને દાગીનાનું પાર્સલ આપવા જઈ રહ્યો હતો. ૪૮ વર્ષના ફરિયાદીનું નામ પ્રદીપ કદમ હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

બિલ આપવાનું કહ્યું અને પછી બૅગ લઈને થઈ ગયા ફરાર
પ્રદીપ કદમ ચીરાબજાર નજીક જગન્નાથ શંકરશેટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને આંતર્યો હતો અને તેની પાસે રહેલા દાગીના વિશે પૂછપરછ કરી હતી. દાગીના હોવાની ખાતરી કર્યા બાદ તેની પાસે એના બિલની માગણી કરી હતી. જોકે પ્રદીપ કદમ પાસે એનું બિલ ન હોવાથી આરોપીઓ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news