મુંબઈ નજીક લોકલના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા

01 March, 2023 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રવાસીઓ બચી ગયા, પણ બહુ ગભરાયા : કોઈ જાનહાનિ નથી

આ રીતે લોકલના ૩ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા અને પ્રવાસીઓ ટ્રૅક પરથી ચાલીને જતા હતા

સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલે સવારે લગભગ પોણાનવ વાગ્યે નેરુળ-ઉરણ રૂટ પર લોકલના ત્રણ કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. લોકલ પાટા પરથી ઊતરી જતાં પ્રવાસીઓ ભારે ગભરાઈ ગયા હતા અને ચીસો સુધ્ધાં પાડી હતી. જોરદાર અવાજ સાથે લોકલના ડબ્બા પાટા પરથી ઊતર્યા બાદ ટ્રેન ઊભી રહી ગઈ હતી. ગઈ કાલે સવારે ખારકોપર રેલવે સ્ટેશનથી થોડે દૂર આ દુર્ઘટના બની હતી. એને કારણે નેરુળ-ખારકોપર રેલવે માર્ગ પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. ગઈ કાલે સાંજ સુધી એક કોચને દૂર કરાયો હતો અને અન્ય બે કોચને દૂર કરવાનું કામ ચાલી રહ્યું હતું.

આ ઘટના બેલાપુર રેલવે સ્ટેશનથી ખારકોપર તરફ જતી લોકલમાં બની હતી. મુંબઈથી લગભગ ૩૦ કિલોમીટર દૂર આવેલા ખારકોપર સ્ટેશને પહોંચવાની હતી ત્યારે સવારે લગભગ ૮.૪૬ વાગ્યે મોટરમૅનના છેડેથી ત્રણ કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. પનવેલ અને અન્ય સ્થળોએથી રાહત ટ્રેનો પાટા પરથી ઊતરી જવાના સ્થળે પહોંચી હતી અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ પાટા પરથી ઊતરી ગયેલા કોચને પાછા લાવવાની કામગીરીમાં ઘણો સમય જતો રહ્યો હતો. આ કામ ચાલી રહ્યું હોવાથી નેરુળ-ખારકોપર રેલવેલાઇન તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. જોકે સેન્ટ્રલ રેલવેની હાર્બર રેલવે અને મુખ્ય લાઇન પર આ દુર્ઘટનાની કોઈ અસર જોવા મળી નહોતી. અકસ્માતના કારણે સવારે ઉરણ તરફ કામ અર્થે જતા પ્રવાસીઓેની અવરજવર ખોરવાઈ ગઈ હતી. કેટલાક લોકો તરત જ લોકલમાંથી ઊતરીને ટ્રૅક પર ચાલીને નજીકના રેલવે-સ્ટેશન સુધી પહોંચ્યા હતા. રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે લોકલ પાટા પરથી ઊતરવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

mumbai mumbai news mumbai local train central railway