જેલમાંથી નીકળવા રૂપિયાની જરૂર હોવાથી ગડકરીને ધમકી આપી

23 March, 2023 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોર પોલીસે બેલાવીની જેલમાં બંધ યુવકની ગર્લફ્રેન્ડને તાબામાં લીધી : આરોપીએ ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થવાથી તેને પણ કેસમાં સંડોવવા તેના નંબરનો ઉપયોગ કર્યો

નીતિન ગડકરી (ફાઇલ તસવીર)

કેન્દ્રીય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીના નાગપુરમાં ઑરેન્જ સિટી હૉસ્પિટલ પાસે આવેલા જનસંપર્ક કાર્યાલયમાં મંગળવારે ઉપરાઉપરી ત્રણ વખત ધમકીના ફોન આવતાં ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ તપાસ કરાતાં આ કૉલ બેલગાવીની એક જેલમાંથી આવ્યો હોવાનું જણાયું હતું. જે નંબર પરથી ફોન આવ્યો હતો એ એક યુવતીના નામે હોવાનો ખ્યાલ આવતાં ગઈ કાલે બૅન્ગલોર પોલીસે આ યુવતીને તાબામાં લીધી હતી. તેની પૂછપરછમાં જણાયું હતું કે જેલમાં બંધ તેના પ્રેમીને જેલમાંથી છૂટવા માટે રૂપિયાની જરૂર છે એટલે તેણે ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગતી ધમકી આપી હતી. એટલું જ નહીં, ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું છે એટલે તેને પણ આ મામલામાં અડચણમાં મૂકવા માટે તેના નંબર પરથી ધમકીનો ફોન કરેલો.
નાગપુર પોલીસના જણાવ્યા મુજબ નીતિન ગડકરીને ધમકાવવાના આવેલા ત્રણ કૉલના મામલામાં બૅન્ગલોરથી રુબીનાબાનો નામની ૨૩ વર્ષની યુવતીને તાબામાં લેવામાં આવી છે. આ યુવતી અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. બેલગાવીની જેલમાં બળાત્કારના કેસમાં બંધ જયેશ પૂજારીએ તેની ભૂતપૂર્વ પ્રેમિકા રુબીનાબાનોના નંબર પરથી નીતિન ગડકરીની ઑફિસમાં મંળવારે ત્રણ વખત કૉલ કર્યા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. આ મોબાઇલ જેલમાં જ છે એટલે જયેશ પૂજારીએ જ રુબીનાબાનોના નંબર પરથી કૉલ કરીને જેલમાંથી નીકળવા માટે ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.

મંગળવારે સવારના ૧૦.૫૫ વાગ્યે, ૧૧ વાગ્યે અને ૧૧.૫૫ વાગ્યે ઉપરાઉપરી ત્રણ વખત ગડકરીની ઑફિસમાં કૉલ આવ્યા હતા. એમાં કહ્યું કે ‘જયેશ પૂજારી બોલું છું. ૧૦ કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો ગડકરીને ખતમ કરી નખાશે. ’

નાગપુરના ધંતોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રભા એકુર્કેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીતિન ગડકરીને કર્ણાટકના બેલગાવીની જેલમાંથી ધમકીનો ફોન આવ્યો હોવાનું જણાયું છે. આ નંબર બેલગામમાં રહેતી રુબીનાબાનોનો છે અને જેલમાં બંધ જયેશ પૂજારી તેનો ભૂતપૂર્વ પ્રેમી હોવાનું જણાતાં અમે અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ રુબીનાબાનોને તાબામાં લીધી છે. અત્યાર સુધીની તપાસમાં જણાયું છે કે જયેશ પૂજારીએ અગાઉ પણ આવી જ રીતે નીતિન ગડકરીને ધમકીનો કૉલ કર્યો હતો. તેની માનસિક સ્થિતિ સારી નથી એટલે અગાઉ પણ તેણે અનેક મોટા લોકોને ફોન કર્યા છે. ૨૦૧૬માં તો જેલમાંથી તે પલાયન થઈ ગયો હતો. તે જેલમાંથી છૂટવા માગતો હતો અને બ્રેકઅપ કરનારી ગર્લફ્રેન્ડ રુબીનાબાનોને આ મામલામાં ફસાવવા માટે તેના નંબરનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા જણાય છે. રુબીનાબાનોની વધુ પૂછપરછ બાદ જ ખ્યાલ આવશે કે આખો મામલો શું છે.’

mumbai mumbai news nagpur bharatiya janata party nitin gadkari mumbai police Crime News