અબોલ જીવની આ એન્જલને સલામ: આગમાં ફસાયેલા ડૉગને જીવના જોખમે બચાવીને બહાર લઈ આવી

26 March, 2026 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડના વેરહાઉસમાં લાગેલી આગમાં ફસાયેલા ડૉગને જીવના જોખમે બચાવીને બહાર લઈ આવી

ભીષણ આગમાં ખાખ થઈ ગયેલું મુનશી વેરહાઉસ, બચાવેલા ડૉગ સાથે બહાદુર યુવતી.

મીરા રોડના વેરહાઉસમાં મંગળવારે રાતે લાગેલી ભીષણ આગમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર છે. જોકે જાનહાનિ ન થવા દેવામાં ફાળો છે એક યુવતીનો. ભીષણ આગ અને ગાઢ કાળા ધુમાડામાં ફસાયેલા એક ડૉગને બચાવવા માટે યુવતીએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને એને સહીસલામત બહાર લઈ આવી હતી.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં યુવતી તેણે બચાવેલા ડૉગ સાથે દેખાય છે. યુવતીએ કહ્યું હતું કે ‘વેરહાઉસમાં રહેતો ડૉગ આગમાં ફસાઈ ગયો હતો અને માથાના ભાગમાં થોડું દાઝી પણ ગયો હતો. એ બહાર નીકળી શકતો ન હોવાથી મેં એની મદદ કરી હતી.’ 

લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા હોય એવા સમયે એક ડૉગનો જીવ બચાવનારી આ બહાદુર યુવતીની સોશ્યલ મીડિયા યુઝર્સે ભરપૂર પ્રશંસા કરી હતી.

મીરા રોડ પર પ્લેઝન્ટ પાર્ક નજીક આવેલા મુનશી વેરહાઉસમાં મંગળવારે રાતે આગ લાગી હતી. ટિન શીટ અને વાંસથી બનેલા આ સ્ટ્રક્ચરમાં પ્લાસ્ટિક અને કાપડ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી આને આસપાસના રેસિડેન્શ્યલ બિલ્ડિંગ સુધી પહોંચી ગઈ હતી. પરિસરમાં ગૅસ-સિલિન્ડર ફાટ્યા પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ અને નજીકમાં પાર્ક કરેલાં વાહનોને પણ નુકસાન થયું હતું.

mumbai news mumbai mira road fire incident mumbai fire brigade mira bhayandar municipal corporation