18 January, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાજ ઠાકરેને તેમના ઘરે મળવા આવેલા વિજેતા કૉર્પોરેટરો. તસવીર : આશિષ રાજે
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન ચૂંટણીનાં પરિણામો પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા દ્વારા પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. મરાઠી માણૂસ, ભાષા અને ઓળખ માટે અમારી લડાઈ ચાલુ રહેશે એ વાત પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
કાર્યકરોનો ઉત્સાહ વધારવા તેમણે કહ્યું હતું કે ‘આ ચૂંટણી સરળ નહોતી. એ શિવશક્તિ અને પૈસાની શક્તિ સામેની લડાઈ હતી, પરંતુ આવા મુશ્કેલ યુદ્ધમાં પણ બન્ને પક્ષોના કાર્યકરો દ્વારા કરવામાં આવેલો સંઘર્ષ પ્રશંસનીય છે.’
રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે ‘શાસક પક્ષો મુંબઈ મેટ્રોપૉલિટન રીજન અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં મરાઠી લોકોને હેરાન કરવાની એક પણ તક ગુમાવશે નહીં એટલે મરાઠી માણસના પડખે ઊભા રહો. ચૂંટણીઓ આવશે અને જશે, પરંતુ ક્યારેય ભૂલશો નહીં કે આપણો શ્વાસ મરાઠી છે.’
ચૂંટણી અગાઉ ઠાકરેબંધુઓએ યુતિ કરીને પોતાને મરાઠી અસ્મિતાના રક્ષક ગણાવ્યા હતા, પણ સત્તા મેળવવા પૂરતા વોટ ઠાકરેબ્રૅન્ડના નામે પણ મેળવી શક્યા નહોતા. શિવસેના (UBT)એ ૬૫ બેઠક જીતી હતી, જ્યારે MNS ફક્ત ૬ બેઠક જ જીતી શકી હતી. રાજ ઠાકરેએ શનિવારે BMC ચૂંટણીઓમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનો સ્વીકાર કર્યો અને મરાઠી લોકો માટે તેમની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.