19 April, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા અટલ સેતુ કૉરિડોરની લગોલગ પ્રસ્તાવિત ત્રીજા મુંબઈ એટલે કે ‘કર્નાલા-સાઈ-ચિરનેર ન્યુ ટાઉન’ માટે જમીન-સંપાદનની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડીને રાયગડ જિલ્લાનાં ૧૨૪ ગામોના જમીનમાલિકોને આગામી ૨૭ એપ્રિલથી ઑનલાઇન સંમતિપત્રકો સબમિટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ન્યુ ટાઉન ડેવલપમેન્ટ ઑથોરિટી તરીકે નિયુક્ત થયેલી MMRDAએ ઉરણ, પનવેલ અને પેણ તાલુકામાં ફેલાયેલા કુલ ૩૨૩ ચોરસ કિલોમીટર વિસ્તારને સૂચિત કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ૧૬ માર્ચે પસાર કરવામાં આવેલા ઠરાવને અનુસરીને આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ઠરાવમાં જમીનનો કબજો લેવાનું, વળતર ચૂકવવાનું અને પ્રોજેક્ટ માટે જમીનની ફાળવણી કરવાનું માળખું પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ અટલ સેતુના નિર્માણ બાદ આસપાસના વિસ્તારોમાં આયોજનબદ્ધ શહેરીકરણ કરવાનો છે. સંપાદનની પ્રક્રિયાને વેગ આપવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી જમીનમાલિકો સીધા જ પોતાની સંમતિ નોંધાવી શકે. આ નવું શહેર મુંબઈના ભીડભાડવાળા વિસ્તારો પરનું ભારણ ઘટાડશે અને રાયગડના આ પછાત ગણાતા વિસ્તારોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક તકો ઊભી કરશે એમ માનવામાં આવી રહ્યું છે.