અજબ ચોર કી ગજબ કહાની: ચોરી કરવા ન મળી તો પૉટી કરી નાખી

15 July, 2024 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત બે કલાક મહેનત કર્યા પછી પણ હોટેલનું શટર ન તૂટ્યું એટલે ચોર દરવાજા પાસે ટૉઇલેટ કરવા બેસી ગયો: આખી ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ

ચોરીના પ્રયાસની આખી ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ હતી.

દુકાન, ગોડાઉન, ઘર, હોટેલ વગેરેનાં તાળાં તોડીને ચોરી કરવાના અને અનેક વખત ચોરી કરવામાં નિષ્ફળ જવાના કિસ્સા બહાર આવ્યા છે. જોકે મલાડમાં બનેલો ચોરીના પ્રયાસનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એમાં એક ચોર હોટેલનું શટર તોડીને ચોરી કરવાના ઇરાદે આવ્યો હતો, પરંતુ બે કલાકની મહેનત પછી પણ એમાં સફળ ન થતાં તે હોટેલના દરવાજાની બહાર જ પૉટી કરવા બેસી ગયો હતો. આ ઘટના હોટેલની બહાર લગાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હતી.

મલાડ-વેસ્ટમાં આવેલી માલડ્રિન્સ નામની રેસ્ટોરાંમાં ૧૨ જુલાઈએ સવારે સાડાપાંચ વાગ્યે એક ચોર ચોરી કરવા આવ્યો હતો. હોટેલની બહારનું શટર તોડવાનો તેણે ઘણો પ્રયાસ કર્યો હતો. શટર અડધું તોડવા છતાં ચોરી કરવામાં તેને સફળતા નહોતી મળી. તેણે લગભગ બે કલાક સુધી હોટેલનું શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે શટર ન તૂટતાં સવારનો સમય હોવાથી તે ત્યાં જ ટૉઇલેટ કરવા બેસી ગયો હતો અને પછી ત્યાંથી ભાગી ગયો હતો. ચોરીના પ્રયાસની આ ઘટના હોટેલના CCTV કૅમેરામાં કેદ થઈ હતી. જોકે આ મામલે હજી સુધી કોઈ પોલીસ-ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ મામલો બહાર આવ્યા બાદ પોલીસ આ ચોરને શોધી રહી છે.

હોટેલના માલિક સુનીલકુમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પહેલાં પણ ચોરી કરવાનો પ્રયત્ન થયો હતો. જોકે ફરિયાદ કરવા છતાં એના પર કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યાર બાદ મેં અલગ પ્રકારનાં લૉક બેસાડ્યાં હતાં અને બાજુવાળાની શૉપમાં પણ ત્રણ દરવાજા બેસાડી દીધા હતા. સવારે હું હોટેલ પહોંચ્યો ત્યારે શટર તૂટેલું જોવા મળ્યું હતું. ત્યાં ટૉઇલેટ જોતાં મને લાગ્યું કે ડૉગીએ કરી હશે, પરંતુ CCTV કૅમેરાના ફુટેજમાં કંઈક વિચિત્ર જ જોવા મળ્યું હતું.’

mumbai news mumbai malad Crime News mumbai crime news