08 March, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરેસ્ટ થયેલો આરોપી મુકેશ ખારવા અને તેણે ચોરેલી ઘડિયાળો.
વરલીના સર પોચખાનવાલા રોડ પર આવેલા ક્લિફ્ટી બિલ્ડિંગમાં બીજા માળે રહેતા નવલકુમારના ઘરમાંથી આશરે પચીસ લાખ રૂપિયાની ત્રણ કીમતી ઘડિયાળો ચોરનાર મુકેશ ખારવાની મંગળવારે વરલી પોલીસે જૂનાગઢમાંથી ધરપકડ કરી હતી. ૧૯ ફેબ્રુઆરીએ રાતે મુકેશે વૃક્ષ પર ચડીને ફરિયાદીના ઘરમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. દરમ્યાન તપાસ-અધિકારીઓને માહિતી મળી હતી કે જૂનાગઢના ચોરબજારમાં આરોપીનો આ ઘડિયાળ વેચવાનો પ્લાન છે. એ અનુસાર પોલીસે ટેક્નિકલ પુરાવા ભેગા કરીને એક દિવસ પહેલાં જ તેની ધરપકડ કરી હતી.
આરોપી સામે મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ચોરીના ચારથી પાંચ કેસ નોંધાયા હોવાની માહિતી અમને મળી છે એમ જણાવતાં વરલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર કાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી ક્લિફ્ટી બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા બાદ નજીકના એક વૃક્ષ પર ચડી ગયો હતો. ઉપર ચડ્યા બાદ બારીમાંથી ફરિયાદીના ઘરમાં પ્રવેશીને કીમતી ઘડિયાળો તડફાવ્યા બાદ પાછો વૃક્ષની મદદથી નીચે ઊતરીને પલાયન થઈ ગયો હતો. આ મામલાની ફરિયાદ થતાં અમે બિલ્ડિંગના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં આરોપીની ઓળખ થઈ હતી. ત્યાર બાદ આરોપી વિશે વધુ માહિતીઓ કાઢતાં અમને જાણ થઈ હતી કે તે ગુજરાતના ભાવનગરનો રહેવાસી છે. એના આધારે અમારી એક ટીમ ભાવનગરના બોટાદ ગામે આરોપીના ઘરે પહોંચી હતી. જોકે આરોપી ઘરેથી એક દિવસ અગાઉ જ નીકળી ગયો હોવાની માહિતી મળતાં અમે ટેક્નિકલ માહિતીઓ મેળવી હતી. એમાં આરોપીનું એક્ઝૅક્ટ લોકેશન જૂનાગઢ મળતાં અમારી ટીમે જૂનાગઢ પહોંચીને આરોપી મુકેશ ખારવાની ધરપકડ કરી હતી. આરોપી ચોરબજારમાં ઘડિયાળો વેચવાનો હતો. જોકે એ પહેલાં જ અમે ચોરાયેલી ત્રણે ઘડિયાળ રિકવર કરી છે.’