સયાજીનગરી એક્સપ્રેસમાં થઈ બબાલ

25 January, 2023 11:24 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

રિઝર્વેશન કોચમાં જનરલ કોચના પ્રવાસીઓ ઘૂસી જતાં અન્ય પ્રવાસીઓ થયા હેરાન ઃ વડોદરા સ્ટેશને રેલવે પોલીસે આવીને બધાને ઉતાર્યા ત્યારે અન્ય પ્રવાસીઓને પગ મૂકવાની જગ્યા મળી

સયાજીનગરી એક્સપ્રેસના રિઝર્વેશન કોચ એસ-૧ અને એસ-૪માં જનરલ કોચના પ્રવાસીઓ ચડી ગયા હતા.

મુંબઈ ઃ સયાજીનગરી એક્સપ્રેસમાં મુંબઈથી મોટા ભાગના પ્રવાસીઓ કચ્છ અને ભુજ જવા માટે પ્રવાસ કરતા હોય છે. આ એક્સપ્રેસમાં ભૂતકાળમાં દારૂડિયાઓ ચડી ગયા હોવાનો બનાવ સામે આવતાં પ્રવાસીઓએ હલ્લાબોલ કર્યો હતો. હાલમાં જનરલ કોચમાં પ્રવાસ કરતા અનેક પ્રવાસીઓ ‌રિઝર્વેશન કોચમાં ઘૂસી જતાં અન્ય પ્રવાસીઓને પગ મૂકવાની પણ જગ્યા રહી નહોતી. એમાં ‌રિઝર્વેશન કોચના પ્રવાસીઓ કંઈ બોલે તો તેઓ દાદાગીરી સુધ્ધાં કરતા હતા. આ વખતે કોચમાં અસંખ્ય લોકો ઘૂસી જતાં પ્રવાસીઓ વધુ હેરાન થયા હતા. એથી અંતે વડોદરાથી રેલવે પોલીસ ચડી હતી અને તેમને દૂર કર્યા બાદ પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે સયાજીનગરી એક્સપ્રેસમાં પ્રવાસીઓની અનેક પ્રકારની સમસ્યા દિવસે-દિવસે વધવા લાગી છે, પરંતુ એની સામે યોગ્ય ઉકેલ લાવવામાં આવતો ન હોવાનું તેમનું કહેવું છે.

વૉશરૂમમાં ગયા હોય તેમનીસીટ પર બેસી ગયા
સયાજીનગરી એક્સપ્રેસના એસ-૪માં પ્રવાસ કરતા યાત્રી શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારા કોચમાં રાતના સમયે રિઝર્વેશન ન હોવા છતાં અનેક પ્રવાસીઓ ચડી ગયા હતા. કોચમાં ચડીને સામાન જેમ-તેમ મૂકીને તેઓ નીચે બેસવા લાગ્યા હતા. પ્રવાસી વૉશરૂમ ગયો હોય તો તેની સીટ ખાલી જોતાં એના પર પણ બેસી ગયા હતા. મોટા પ્રમાણમાં જનરલ કોચના લોકો ચડી જાય તો અમારી સુરક્ષા સામે પણ પ્રશ્ન ઊભો થાય એમ છે. મ‌હિનાઓ પહેલાં બુકિંગ કરાવવાનો શું અર્થ જો જનરલની જેમ જ પ્રવાસ કરવાનો હોય તો. આવામાં સામાન ચોરી થવાના ડરે રાતની ઊંઘ પણ હરામ થઈ જાય છે.’

અમુક લોકોએ આખી રાત ઊભા રહીને પ્રવાસ કર્યો
સયાજીનગરી એક્સપ્રેસમાં પ્રવાસ કરનાર એસ-૧ કોચના રેલવે પ્રવાસી હરેશ નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ‌ન‌િવારે દાદરથી સવાત્રણ વાગ્યે ટ્રેન શરૂ થયા બાદ બોરીવલી આવતાં અચાનક રિઝર્વેશન કોચ પૅક થવા લાગ્યો હતો અને ધીરે-ધીરે ભીડ એટલી વધી ગઈ કે અમને બેસવામાં પણ હેરાની થવા લાગી હતી. એસ-૧, એસ-૨, એસ-૪ અને અમુક એસી કોચમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ ઊમટી પડી હતી. એટલી ભીડ હતી કે જનરલ કોચના પ્રવાસીઓ એકબીજાને ધક્કો મારતા જોવા મળ્યા હતા. દરવાજો અને વૉશરૂમથી લઈને સીટની નીચે બેસી ગયા હતા. ચાલવાની તો નહીં જ, પગ મૂકવાની પણ જગ્યા નહોતી. એમાં તેમની દાદાગીરી પાછી અલગ હોય. રિઝર્વેશન કોચના પ્રવાસીઓએ ચેઇન પુલિંગ પણ કરી હતી. ત્યાર બાદ બરોડા આવતાં રેલવે પોલીસ કોચમાં આવી અને બધાને નીચે ઉતાર્યા ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો હતો. એમ છતાં અમુક પ્રવાસીઓને તો આખી રાત ઊભા રહીને પ્રવાસ કરતા જોયા હતા.’ 

mumbai news vadodara mumbai