24 February, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોલાપુર રેલવે-સ્ટેશન પર માલગાડી પસાર થઈ ગયા બાદ પાટા પર સૂતેલી મહિલા.
મહારાષ્ટ્રના સોલાપુર રેલવે-સ્ટેશન પર ગઈ કાલે આશ્ચર્યજનક ઘટના બની હતી. સવારના સમયે ત્રીસેક વર્ષની એક મહિલા ટ્રૅક પર ઊભેલી માલગાડીની નીચે નિત્યક્રમ કરવા ગઈ હતી. અચાનક માલગાડી ચાલવા લાગતાં મહિલા ગભરાઈ ગઈ હતી. તેણે રેલવેના પાટાની વચ્ચેથી બહાર આવવા ફાંફાં માર્યાં હતાં, પરંતુ રેલવેના પાટા પાસે કામ કરી રહેલા સફાઈ-કર્મચારીએ મહિલાને બહાર નીકળવાનો પ્રયાસ કરવાને બદલે પાટાની વચ્ચે સૂઈ જવાનો ઇશારો કર્યો હતો. મહિલા પાટાની વચ્ચેના ભાગમાં સૂઈ ગઈ હતી. તેની ઉપરથી ૪૦ ડબ્બાની આખેઆખી માલગાડી પસાર થઈ ગઈ હતી તો પણ મહિલા માથું નીચું રાખીને સૂઈ ગઈ હતી એટલે બચી ગઈ હતી. સોલાપુર રેલવે-પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સવારના સાડાસાત વાગ્યે બની હતી. સફાઈ-કર્મચારી મંગેશ શિંદેએ માનસિક રીતે અક્ષમ મહિલાને માલગાડી શરૂ થઈ ગયા બાદ પાટાની વચ્ચેથી બહાર નીકળવાને બદલે સૂઈ જવાનું કહ્યું હતું એટલે મહિલાનો જીવ બચી ગયો હતો.