28 January, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના
ડોમ્બિવલીમાં ત્રીજા માળની બાલ્કનીની ગ્રિલમાંથી નીચે પડતી બાળકીને જોઈ એક યુવાને પ્રેઝન્સ ઑફ માઇન્ડ દાખવી હતી અને તરત દોડી જઈને તેને હાથમાં ઝીલી લીધી હતી, પણ ફોર્સને કારણે બાળકી હાથમાંથી છટકીને જમીન પર પડી હતી. જોકે એમ છતાં પહેલાં હાથમાં ઝિલાઈ જવાના કારણે બાળકીને થનારી ઈજાની માત્રા એકદમ ઘટી ગઈ હતી અને તે બચી ગઈ હતી. આ આખી ઘટના એ મકાનની સામે આવેલી ઇમારતમાં લાગેલા ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝિલાઈ હતી. એ પછી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો અને લોકોએ યુવાને દાખવેલી તત્પરતા અને પ્રેઝન્સ ઑફ માઇન્ડને બિરદાવી હતી.
આ ઘટના રવિવારે બપોરે ડોમ્બિવલી-ઈસ્ટના દેવચીપાડા વિસ્તારમાં બની હતી. ઘરની બાલ્કનીમાં લગાડેલી ગ્રિલના ગૅપમાંથી તે બાળકી સરકીને કેટલીક ક્ષણ લટકી રહી હતી. એ વખતે કોઈએ તેને જોઈ જતાં બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમ સાંભળી ભાવેશ મ્હાત્રેએ એ તરફ જોયું અને પળભરમાં જ તે બાળકી ગમે ત્યારે નીચે પડશે એવો ખ્યાલ આવી જતાં તેને બચાવવા દોડ્યો હતો. ખરેખર એવું જ બન્યું, તે બાળકી પડી ત્યારે ભાવેશે તેને હાથમાં ઝીલી લીધી હતી, પણ ફોર્સને કારણે તે હાથમાંથી છટકીને નીચે જમીન પર પટકાઈ હતી. જોકે એમ છતાં તે ગંભીર ઈજામાંથી બચી ગઈ હતી. બાળકીને ત્યાર બાદ ડૉક્ટર પાસે લઈ જવાતાં તેમણે બાળકીની ઈજા ગંભીર ન હોવાનું જણાવ્યું હતું, પણ સાથે જ CT સ્કૅન કરાવવાની સલાહ આપી હતી. આમ તે બાળકી માટે ભાવેશ મ્હાત્રે દેવદૂત બનીને આવ્યો હતો.