18 July, 2023 07:49 AM IST | Mumbai | Priti Khuman Thakur
વડોદરા સ્ટેશને વંદે ભારત ટ્રેન ટેક્નિકલ ખામીને કારણે એક કલાક દસ મિનિટ સુધી અટવાઈ રહી હતી.
મુંબઈ ઃ મુંબઈથી ગાંધીધામ રૂટ પર હાઈ સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેન શરૂ થતાં પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ગાંધીનગરથી મુંબઈ આવવા માટે રવિવારે બપોરે બે વાગ્યે નીકળેલી વંદે ભારત વડોદરા પર એક કલાક દસ મિનિટ સુધી ટેક્નિકલ ખામીને કારણે અટવાઈ રહી હતી. એને કારણે પ્રવાસીઓ આટલો સમય બંધ દરવાજામાં ચાલુ-બંધ થતા એસીમાં સમય વિતાવવા પર મજબૂર થયા હતા. જોકે આ બધાને કારણે પ્રવાસીઓએ લાંબો સમય બેસી રહેવું પડ્યું હોવાથી એ ભારે કંટાળાજનક બન્યું હતું. ભારે જહેમત બાદ સાંજે સવાપાંચ વાગ્યે વંદે ભારત મુંબઈ માટે રવાના થઈ હતી.
વંદે ભારત ટ્રેનમાં અમુક વખત ટેક્નિકલ ખામી સર્જાતી હોય છે. જોકે રવિવારે સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે પ્રવાસીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરતા બિપિન ખોખાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રવિવારે બપોરે બે વાગ્યે ગાંધીનગર સ્ટેશનથી રવાના થયેલી ૨૦૯૦૭ વંદે ભારત ટ્રેન અમદાવાદ બરાબર પહોંચી હતી. ત્યાંથી વડોદરા સ્ટેશન પર લગભગ ચાર વાગ્યે પહોંચી હતી. ત્યાં પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે એવું લાગ્યું કે થોડા સમય માટે આ સમસ્યા હશે. જોકે અડધો કલાક થયો હોવા છતાં ટ્રેન ચાલુ થઈ નહોતી અને ભારે જહેમત બાદ સવાપાંચ વાગ્યે એ મુંબઈ માટે રવાના થઈ હતી. દરમ્યાન, દરવાજા બંધ રાખવામાં આવ્યા હોવાથી એમાં એસી થોડી વાર માટે બંધ તો થોડી વાર માટે ચાલુ એમ થઈ રહ્યું હતું. અમને કંઈ સમજાઈ રહ્યું નહોતું કે ટ્રેન ક્યારે શરૂ થશે. અમે ફક્ત બેસીને જોઈ રહ્યા હતા કે ટ્રેન શરૂ કરવા માથામણ કરાઈ રહી છે.’
અમદાવાદથી બોરીવલી આવી રહેલા અને ત્યાં દર્શન કરવા ગયેલા ૬૬ વર્ષના રાજેશ વોરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈથી અમારું મોટું ગ્રુપ અમદાવાદમાં દર્શન માટે ગયું હતું. અમદાવાદથી બેઠા બાદ ટ્રેન એકદમ બરાબર ચાલી રહી હતી. જોકે વડોદરા સ્ટેશન આવ્યું ત્યારે ટ્રેન પ્લૅટફૉર્મ પર જ ઊભી રહી હતી. થોડો સમય થયો છતાં આગળ વધી રહી નહોતી. ત્યાર બાદ અમને જણાવાયું હતું કે ટેક્નિકલ ખામીના કારણે ટ્રેન ઊભી છે. આ તો અમારું ગ્રુપ મોટું હતું એટલે સવા કલાકનો સમય પસાર થઈ ગયો હતો. બાકી એકલો પ્રવાસી બેસીને કંટાળી જાય. બોરીવલી સ્ટેશન પર આ ટ્રેન પોણાઆઠ વાગ્યાની આસપાસ પહોંચતી હોય છે. જોકે આ સમસ્યા સર્જાવાને કારણે ટ્રેન નવ વાગ્યાની આસપાસ પહોંચી હતી. ટેક્નિકલ ખામી સર્જાયા બાદ એ વિભાગના કર્મચારીઓ ખૂબ મહેનત કરીને ટ્રેન ચાલુ થાય એવા પ્રયાસ પણ કરી રહ્યા હતા.’