26 July, 2026 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદે કમબૅક કર્યું છે અને કૅચમેન્ટ એરિયામાં પણ વરસાદનો સારોએવો પ્રભાવ જોવા મળ્યો છે. એને કારણે મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર સારુંએવું વધ્યું છે. ૨૪ જુલાઈએ સવારે ૬ વાગ્યાથી ૨૫ જુલાઈએ સવારે ૬ વાગ્યા દરમ્યાન કૅચમેન્ટ એરિયામાં પડેલા વરસાદને કારણે હવે સાતેય જળાશયોમાં પાણીપુરવઠો કુલ ૮૩.૬૮ ટકા થઈ ગયો છે. આ ૨૪ કલાક દરમ્યાન પડેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર ૬.૦૬ ટકા વધ્યું હતું. એને કારણે આ વર્ષે ઓછા વરસાદને કારણે મુંબઈગરાઓને પાણીનાં ફાંફાં પડવાની ચિંતા મહદંશે દૂર થઈ છે. આગામી દિવસોમાં પણ સારોએવો વરસાદ પડશે એવી હવામાન ખાતાની આગાહીને પગલે જળાશયોમાં પાણીનું સ્તર હજી વધશે એવી આશા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બહાર પાડેલા આંકડાઓ મુજબ સાતેય જળાશયોમાં હાલ ૧૨.૧૧ લાખ મિલ્યન લીટર પાણીપુરવઠો છે. એમની કુલ ક્ષમતા ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર પાણી સમાવવાની છે. થાણે, પાલઘર અને નાશિકમાં આવેલાં આ બધાં જ જળાશયો મુંબઈગરાઓને આખું વર્ષ પાણીપુરવઠો પૂરો પાડે છે. મોડકસાગર, તુલસી તથા વિહાર જળાશયો પહેલેથી જ ઓવરફ્લો થઈ ગયાં છે અને હવે અપર વૈતરણા, ભાતસા, મિડલ વેતરણા અને તાનસા આ ૪ જળાશયો છલકાય એની રાહ જોવાઈ રહી છે.