05 June, 2023 02:37 PM IST | Mumbai | Prajakta Kasale
બોરીવલીને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડતા પુલનું કામ છેલ્લા એક વર્ષથી અટક્યું છે (તસવીર : અનુરાગ અહિરે)
શ્રીકૃષ્ણનગર બ્રિજના પુન: નિર્માણના કામમાં વિલંબ બદલ મુંબઈ સુધરાઈ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જવાબદાર ગણે છે. જોકે ‘મિડ-ડે’ને મળેલી માહિતી મુજબ આ વિલંબ માટે ખુદ સુધરાઈ જ જવાબદાર છે. દહિસર નદી પર આવેલો આ પુલ બોરીવલીને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડે છે. એનો કેટલોક ભાગ તૂટી પડવાને કારણે ૨૦૨૧માં એને બંધ કરવામાં આવ્યો હતો. પુન: નિર્માણ બાદ માર્ચ ૨૦૨૩માં પહેલા ભાગને ફરીથી ચાલુ કરાયો હતો, પરંતુ બીજો ભાગ પૂરો થયો નથી. સુધરાઈ એવું કારણ આપતી હતી કે પુલનો અમુક ભાગ જંગલની જમીન પર આવેલો છે અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી એનઓસી મળ્યું નથી. જોકે ‘મિડ-ડે’ને મળેલી માહિતી મુજબ સુધરાઈની વૉર્ડ કમિટી તરફથી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને એક પત્ર મળવો જોઈએ જે હજી સુધી મળ્યો જ નથી.
સુધરાઈના બ્રિજ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે માર્ચ મહિનામાં કૉર્પોરેશનની ટર્મ પૂરી થતાં વૉર્ડ કમિટી જ રહી નહોતી. આર સેન્ટ્રલ વૉર્ડને આ મામલે પત્ર પણ લખવામાં આવ્યો હતો, પણ કોઈ જવાબ મળ્યો નથી. કૉર્પોરેશન ભંગ થતાં તમામ સત્તા સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલ પાસે હોય છે.’
આર સેન્ટ્રલ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેરકરે કહ્યું હતું કે ‘બ્રિજ ડિપાર્ટમેન્ટમાંથી અમને કાગળ મળ્યો હતો, પરંતુ અમે આ પ્રસ્તાવ મોકલી શકીએ કે કેમ એ વિશે ચોક્કસ નહોતા. તેથી અમે મ્યુનિસિપલ સેક્રેટરીને પત્ર લખીને અભિપ્રાય માગ્યો છે.’
આજે આ પુલ વિશે નિર્ણય લેવા એક મીટિંગ પણ થવાની છે, જેનો અમુક ભાગ સંજય ગાંધી નૅશનલ પાર્કની હદમાંથી પસાર થાય છે. સુધરાઈએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી મંજૂરી માટે એક કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરી હતી. વળી એક પ્રસ્તાવ પણ સુધરાઈએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને એક વર્ષ પહેલાં મોકલ્યો હતો. માર્ચ મહિનામાં મંજૂરી પણ આવી ગઈ હતી. પ્રસ્તાવ નાગપુરમાં આવેલા ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ ક્વૉર્ટરને મોકલવામાં આવ્યો હતો. એણે મંજૂરી પહેલાં લોકલ ઑથોરિટી પાસે એક પત્ર માગ્યો હતો, જે એમને મળ્યો નથી.