12 July, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં ઘણે ઠેકાણે વરસાદ હતો અને જાણે છત્રીઓનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.
બુધવાર મધરાતથી મુંબઈમાં ફરી એક વાર મુશળધાર વરસેલા મેઘરાજા હવે એમની બીજી ઇનિંગ્સ લાંબી ચલાવવાના છે અને એ આ સીઝનની સૌથી દમદાર હોવાની આગાહી વેધશાળાએ કરી છે. ગઈ કાલે છૂટાછવાયા પડેલા વરસાદનું આજથી થોડું જોર વધશે અને આવતી કાલે મુંબઈ સહિત આખા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ને સતર્ક રહેવાની ચેતવણી વેધર બ્યુરોએ આપી છે. એનું કારણ એ છે કે આખા MMRમાં આવતી કાલે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. ત્યાર બાદ પણ ૨૨ જુલાઈ સુધી અવિરત વરસાદ વરસતો રહેવાનો છે. એક પ્રાઇવેટ ફૉરકાસ્ટરે તો ત્યાં સુધી કહ્યું છે કે આગામી એક અઠવાડિયામાં મુંબઈમાં ૬૦૦ મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે. બીજી બાજુ વેધશાળાનું પણ કહેવું છે કે અત્યારે સાનુકૂળ વાતાવરણ હોવાને લીધે આગામી દસેક દિવસ સુધી મુંબઈમાં ઓછાવધતા પ્રમાણમાં વરસાદ પડતો રહેશે જેમાં અમુક દિવસે ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઍડિશનલ કમિશનર અશ્વિની જોશી અને ડૉ. અમિત સૈનીએ ગઈ કાલે યોજાયેલી બેઠકમાં ૮ જુલાઈએ સોમવારે મુંબઈને ધમરોળનાર ધોધમાર વરસાદ બાદ હવે BMC અને અન્ય એજન્સીઓને વધુ વરસાદમાં ઉદ્ભવતી સમસ્યાઓને પહોંચી વળવા સાબદા રહેવા કહ્યું છે. મુંબઈના જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યાં પાણીનો નિકાલ ધીમો થાય છે એને બદલે ઝડપથી નિકાલ કરવા વધુ પમ્પ બેસાડો અથવા વધુ કૅપેસિટીવાળા પમ્પ બેસાડો એવો આદેશ સુધરાઈના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સહિત એન્જિનિયરો અને ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવ્યો છે.