ચેમ્બુરના સ્વિમિંગ-પૂલના વ્યવસ્થાપકને મેમ્બરોએ ગેટની બહાર ઍમ્બ્યુલન્સ રાખવાની ડિમાન્ડ કરી

25 May, 2023 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરનો બીએમસી સંચાલિત સ્વિમિંગ-પૂલ છેલ્લાં પાંચ વર્ષથી બંધ હોવાથી ઘાટકોપરના રહેવાસીઓ ચેમ્બુરના સ્વિમિંગ-પૂલમાં જવા મજબૂર છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઃ ઘાટકોપરનો બીએમસી સંચાલિત સ્વિમિંગ-પૂલ છેલ્લાં પાંચ વર્ષથી બંધ હોવાથી ઘાટકોપરના રહેવાસીઓ ચેમ્બુરના સ્વિમિંગ-પૂલમાં જવા મજબૂર છે. ચેમ્બુરના સ્વિમિંગ-પૂલમાં લોકો દૂર-દૂરથી આવતા હોવાથી ઇમર્જન્સી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બહાર ઍમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવે એ માટે સભ્યોએ અનેક વખત માગણી કરી હતી, પરંતુ એના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું એથી તાજેતરમાં ઘાટકોપર-વેસ્ટમાં ચિરાગનગરની સાવંતવાડીમાં નીલકંઠ નગરમાં રહેતા ૭૫ વર્ષના ગુજરાતી ભરત રાજને સ્વિમિંગ-પૂલમાં હાર્ટ-અટૅક આવતાં ત્યાંથી હૉસ્પિટલ લઈ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ બનાવ બાદ સ્વિમિંગ-પૂલના સભ્યો ભારે નારાજ હતા. એ પછી સભ્યોએ અહીં ઍમ્બ્યુલન્સ ઊભી રાખવા માટે રવિવારે સ્વિમિંગ-પૂલ વ્યવસ્થાપનને નિવેદનપત્ર સોંપ્યું હતું અને ભરત રાજના ફોટોના બૅનર સાથે પ્રદર્શન કર્યું હતું. 
ચેમ્બુરમાં બીએમસી સંચાલિત જનરલ અરુણકુમાર વૈદ્ય તરણતળાવ નામના સ્વિમિંગ-પૂલમાં ભરત રાજ સાથે ઘાટકોપરનું તેમનું ૩૦થી ૪૦ ગુજરાતી મિત્રોનું ગ્રુપ દરરોજ સ્વિમિંગ માટે જાય છે. ચેમ્બુરનો બીએમસીનો સ્વિમિંગ-પૂલ સંભાળનાર અધિકારી અર્ચના દેશમુખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સભ્યોએ મને નિવેદન આપ્યું છે અને એને સંબંધિત વિભાગમાં મોકલવામાં આવ્યું છે. અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ કે જલદી ઍમ્બ્યુલન્સની સુવિધા લોકોને મળી રહે.’

mumbai news chembur ghatkopar