હાઇવેના ગેરકાયદે ઢાબા, ફૂડ કોર્ટ અને કમર્શિયલ બાંધકામ પર પડશે મહારાષ્ટ્ર સરકારનો હથોડો

12 August, 2026 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હાઇવેની આજુબાજુમાં સરકારી જમીન પરનાં ઇલીગલ સ્ટ્રક્ચર દૂર કરવા બે મહિનાનું અલ્ટિમેટમ

સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્ર સરકારે સોમવારે રાજ્યના તમામ નૅશનલ હાઇવે પર રાઇટ ઑફ વે (ROW) હેઠળ હાઇવે પાસેની સરકારી જમીન પર આવેલાં લાઇસન્સ વિનાનાં બાંધકામોને તોડી પાડવા અને દૂર કરવા તથા ગેરકાયદે ઊભા કરી દેવાયેલા ઢાબા, ખાણીપીણી અથવા કમર્શિયલ બાંધકામ પર પ્રતિબંધ મૂકી તોડી પાડવા માટે સુધરાઈઓ સહિતની અન્ય સરકારી એજન્સીઓને ૬૦ દિવસનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે નૅશનલ હાઇવે ભારતના કુલ રસ્તાની લંબાઈના આશરે બે ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ તમામ રોડ-અૅક્સિડન્ટમાં લગભગ ૩૦ ટકા હિસ્સો ધરાવે છે અને એથી કેન્દ્ર અને રાજ્યોના માર્ગ વિભાગોને ઉપરોક્ત નિર્દેશ આપ્યો હતો. હાઇવે ઍડ્‍મિનિસ્ટ્રેશનની ઉદાસીનતા અથવા ઍડ્‍મિનિસ્ટ્રેટિવ લૂપહોલ્સને કારણે હાઇવે જોખમનો કૉરિડોર ન બને અેની ખાતરી કરવા માટે લગભગ ૪ મહિના પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ એપ્રિલમાં માર્ગ-સુરક્ષા બાબતે આપેલા નિર્દેશોના આદેશો પર પાલન થાય છે કે નહીં પર નજર રાખતી હતી.
૧૩ જુલાઈઅે ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચને જાણ કરવામાં આવી હતી કે ફક્ત ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો - બિહાર, કર્ણાટક અને પૉન્ડિચેરી અૅફિડેવિટ દાખલ કર્યું છે.
બેન્ચે કહ્યું કે જો અન્ય રાજ્યો બે અઠવાડિયાંમાં તેમના અહેવાલો ફાઇલ નહીં કરે તો અે તમામ ડિફૉલ્ટર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGPs)ને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપશે. સુપ્રીમ કોર્ટ આ મામલાની આગામી સુનાવણી ૧૭ ઑગસ્ટે કરશે. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra