06 December, 2024 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આમ્બિવલી રેલવે-સ્ટેશન પર બુધવારે ચેઇન-સ્નૅચિંગના કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરનારા MIDC પોલીસ-સ્ટેશનના અધિકારીઓ પર ઈરાની ગૅન્ગના સભ્યોએ હુમલો કર્યો હતો. આ મામલે કલ્યાણની ખડકપાડા પોલીસે હત્યાનો પ્રયાસ, સરકારી સેવકો પર હુમલો સહિતના વિવિધ આરોપો હેઠળ ૩૫ લોકો સામે ફરિયાદ નોંધીને ચાર લોકોની ધરપકડ કરી હતી. ઈરાની ગૅન્ગે કરેલા પથ્થરમારાને કારણે આમ્બિવલી સ્ટેશન પરની ટિકિટ બુકિંગ ઑફિસના કાચ તૂટી ગયા હતા. એ સિવાય રેલવેની અન્ય મિલકતને પણ નુકસાન થયું હતું.
MIDC પોલીસની એક ટીમ કલ્યાણથી ૬ કિલોમીટર દૂર મુરબાડ તાલુકાના ગામ આમ્બિવલી ખાતે ચેઇન-સ્નૅચિંગ કેસમાં વૉન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી એમ જણાવતાં થાણે પોલીસ ઝોન ૩ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MIDC પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો ૨૦ વર્ષનો આરોપી સોનુ લાલા ઈરાની આમ્બિવલીની ઈરાની બસ્તીમાં છુપાયો હોવાની માહિતી પોલીસને મળી હતી. એ માહિતીના આધારે બુધવારે રાતે MIDC પોલીસની ટીમ આમ્બિવલી પહોંચી હતી. પોલીસે આરોપી સોનુને તાબામાં લેતાં ઈરાની બસ્તીના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઈરાની લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. એ દરમ્યાન પોલીસની ટીમ આમ્બિવલી સ્ટેશન પાસે પહોંચી ત્યારે ઈરાની ટોળાએ અચાનક પોલીસ પર પથ્થરમારો કરવાની શરૂઆત કરી હતી. આ પથ્થરમારામાં મોટા ભાગની મહિલાઓ સામેલ હતી. દરમ્યાન પોલીસના તાબામાંથી સોનુને ઈરાની ગૅન્ગના મેમ્બરો સફળતાથી છોડાવીને લઈ ગયા હતા. આ કેસમાં અમે વધુ તપાસ શરૂ કરી છે.’
CCTV કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે. અમે ૩૫ અજાણ્યા પથ્થરબાજો સામે ફરિયાદ નોંધીને ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. - સિનિયર પોલીસ-અધિકારી