ખેડૂતોનાં હિત માટે સરકાર અને મનોજ જરાંગે એકમત જ છે

31 August, 2026 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેએ મરાઠા અનામત બાબતે રાજકારણના આક્ષેપો ફગાવ્યા, કહ્યું...

એકનાથ શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે સ્પષ્ટતા કરી છે કે મહાયુતિ સરકાર અને મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે ખેડૂતો અને મરાઠા સમુદાયના કલ્યાણ મુદ્દે એક જ મત ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આ સમુદાય સાથે ન્યાય કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

પરભણી શહેરમાં યોજાયેલી એક ખેડૂત-રૅલીને સંબોધતાં શિંદેએ આ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમ ચાલુ થતાં જ મરાઠા આંદોલકોએ કાળા વાવટા બતાવ્યા હતા. જાલનાના અંતરવાલી સરાટી ગામ ખાતે પોતાના અનિશ્ચિત મુદતની ભૂખહડતાળના બીજા દિવસે મનોજ જરાંગેએ એકનાથ શિંદેઅે આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને અેને રદ કરવાની માગણી કરી હતી જેને પગલે પોલીસે કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરી હતી. મનોજ જરાંગેએ ૧૨ સપ્ટેમ્બર સુધીમાં માગણીઓ પૂરી નહીં થાય તો મુંબઈ તરફ કૂચ કરવાની ચેતવણી આપી છે.
વિરોધ વિશે જવાબ આપતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ‘અમે ખેડૂતોના પ્રશ્નોમાં કોઈ રાજકારણ લાવવા માગતા નથી. સરકાર અને મનોજ જરાંગે બન્નેની નીતિ ખેડૂતોનાં હિતની જ છે.’ તેમણે ભૂતકાળના નિર્ણયો યાદ અપાવતાં કહ્યું હતું કે સરકારે કમિશનની રચના કરીને મરાઠા સમુદાયને કાયદાકીય રીતે કુણબી પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
એકનાથ શિંદેએ વધુમાં ભારપૂર્વક કહ્યું હતું કે અમે અન્ય કોઈ સમુદાયના અધિકારો કે અનામતનો હિસ્સો આંચકીને મરાઠા સમાજને આપવા માગતા નથી. તેમણે અગાઉની મહાવિકાસ અઘાડી (MVA) સરકાર પર નિશાન સાધતાં આક્ષેપ કર્યો હતો કે મરાઠા નેતાઓ હોવા છતાં અગાઉની સરકારે અનામત મુદ્દે કોઈ યોગ્ય નિર્ણય લીધો નહોતો, જ્યારે વર્તમાન સરકાર મરાઠા સમુદાયને ૧૦ ટકા અનામત આપીને આગળના તમામ યોગ્ય નિર્ણયો લઈ રહી છે.

mumbai news mumbai eknath shinde political news manoj jarange patil maratha reservation