✕

ચેમ્બુરમાં FDAએ લક્ઝરી બસમાંથી ૪૦૦૨ કિલો હલવો અને અન્ય મીઠાઈ જપ્ત કર્યાં

04 November, 2026 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં દિવાળી પહેલાંની કાર્યવાહીમાં કુલ ૪૫ લાખ રૂપિયાની ખાદ્ય સામગ્રી જપ્ત, બે લોકોની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી તપાસ-અભિયાન હાથ ધર્યું હતું. આ દરમ્યાન ૪૫ લાખ રૂપિયાની ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે, પાંચ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, ૩ FIR નોંધવામાં આવ્યા છે અને બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ૩ દિવસ દરમ્યાન હાથ ધરવામાં આવેલા આ વિશેષ તપાસ-અભિયાનમાં પ્રતિબંધિત ખાદ્ય સામગ્રીની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે અને બે એસ્ટૅબ્લિશમેન્ટને સીલ કરવામાં આવી છે.
મુંબઈમાં હાથ ધરવામાં આવેલા એક મોટા ઑપરેશન દરમ્યાન અધિકારીઓએ સોમવારે ચેમ્બુર વિસ્તારમાં એક લક્ઝરી બસમાંથી ૪૦૦૨ કિલો હલવો અને અન્ય મીઠાઈઓ જપ્ત કર્યાં હતાં જેની કિંમત ૧૧.૧૧ લાખ રૂપિયા થાય છે. આ મીઠાઈનું ટ્રાન્સપોર્ટેશન અયોગ્ય તાપમાન નિયંત્રણ હેઠળ અને અસ્વચ્છ પરિસ્થિતિઓમાં કરવામાં આવી રહ્યું હોવાનું જણાયું હતું, જેનાથી એમાં ભેળસેળ હોવાની અને સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની આશંકા ઊભી થઈ છે. FDAએ જણાવ્યું હતું કે પ્રયોગશાળામાં તપાસ માટે ૬ નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ અહેવાલોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત કોકણ, પુણે, નાશિક, છત્રપતિ સંભાજીનગર, અમરાવતી અને નાગપુર એમ ૬ વિભાગોમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમ્યાન ૨૨.૩૪ લાખ રૂપિયાનો ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એમાં મીઠાઈઓ, ફરસાણ, ખાદ્ય તેલ અને સૂકો મેવો (ડ્રાયફ્રૂટ્સ) સામેલ છે. આ અભિયાન દરમ્યાન યવતમાળ, અકોલા, બુલડાણા અને વાશિમ જિલ્લાઓમાં પાંચ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

mumbai news mumbai chembur food and drug administration tukaram mundhe food news