હવે પ્રશ્ન એ છે કે ઝેર જાણીજોઈને પીધું કે ભૂલથી પિવાઈ ગયું?

08 May, 2026 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીનો રિપોર્ટ આવી ગયો, પાયધુનીના ડોકાડિયા પરિવારનો જીવ તરબૂચે નહીં પણ ઉંદર મારવાની ઘાતક દવાએ લીધો

પાયધુનીમાં રહેતો ડોકાડિયા પરિવાર

૧૧ દિવસ પછી આવેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ચારેય જણના શરીર ઉપરાંત તરબૂચ પર પણ ઝિન્ક ફૉસ્ફાઇડ મળી આવ્યું

પાયધુનીમાં રહેતા ડોકાડિયા પરિવારે પચીસ એપ્રિલે રાતે તરબૂચ ખાધા પછી પરિવારના ચારેચાર સભ્યોનાં થયેલાં શંકાસ્પદ મૃત્યુના કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી માહિતી જાણવા મળી છે. ઉંદર મારવાના ઝેરથી ચારેચાર જણનાં મોત થયાં હોવાની ચોંકાવનારી માહિતીએ મોટો ખળભળાટ મચાવ્યો છે. ચારેયના શરીરમાં તેમ જ તરબૂચના નમૂનાઓમાં ઉંદર મારવાના ઝેર તરીકે વપરાતું કેમિકલ ઝિન્ક ફૉસ્ફાઇડ મળી આવ્યું છે.

કાલિના ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ના ડિરેક્ટર ડૉ. વિજય ઠાકરેની આગેવાની હેઠળ કાલિના FSLના નિષ્ણાતો દિવસ-રાત કેસ ઉકેલવામાં રોકાયેલા હતા. શરીરમાંથી ઘણું ઝેર ઊલટી દ્વારા બહાર નીકળી ગયું હોવાથી શરીરમાંથી ઝેરના નમૂના શોધવા મુશ્કેલ હતા. આખરે કાલિના FSLના નિષ્ણાતોના પ્રયાસ સફળ રહ્યા છે.

હવે સ્પષ્ટ છે કે ચારેય જણનાં મૃત્યુ ઉંદર મારવા માટે વપરાતી દવા ઝિન્ક ફૉસ્ફાઇડથી થયાં હતાં. ચારેય જણના શરીરમાં તેમ જ તરબૂચ પર ઝિન્ક ફૉસ્ફાઇડ મળી આવ્યું હતું. જોકે એ હજી સ્પષ્ટ નથી કે ઉંદર મારવાનું ઝેર આકસ્મિક રીતે કે જાણીજોઈને પિવાયું હતું. જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશન દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે જેમાં સગાંસંબંધીઓ અને પાડોશીઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે.

mumbai news mumbai Crime News mumbai crime news mumbai crime branch crime branch mumbai police