13 October, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતના ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્રમાં મતદાર યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત ડ્રાફ્ટ મતદારયાદી સંબંધિત દાવાઓ અને વાંધાઓ દાખલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને ૨૬ ઑક્ટોબર કરવામાં આવી છે. ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે સુધારેલા કાર્યક્રમ છતાં આખરી મતદારયાદી નિયત તારીખ મુજબ ૧૬ નવેમ્બરે જ પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ્સ ૩૧ ઑગસ્ટે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. સુધારેલા શેડ્યુલ અનુસાર નાગરિકો હવે ૨૬ ઑક્ટોબર સુધી પોતાના દાવા અને વાંધા સબમિટ કરી શકશે. ત્યાર બાદ નોટિસ સ્ટેજ તેમ જ મળેલા તમામ દાવા-વાંધાઓના નિકાલની પ્રક્રિયા ૧૦ નવેમ્બર સુધીમાં પૂરી કરી લેવામાં આવશે.
મહારાષ્ટ્રના ચીફ ઇલેક્ટોરલ ઑફિસરે પાત્ર નાગરિકો અને નવા મતદારોને આ લંબાવવામાં આવેલી મુદતનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે જેથી તેઓ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે, વિગતોમાં જરૂરી સુધારા-વધારા કરાવી શકે અથવા જરૂર જણાય ત્યાં નિયમ મુજબ વાંધા રજૂ કરી શકે.