02 September, 2024 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉન્સ્ટેબલ
ગોરેગામ સ્ટેશન પર બુધવારે ચાલુ ટ્રેન પકડવા મથી રહેલો એક પ્રવાસી સંતુલન ગુમાવીને ટ્રેનની નીચે આવી જવાનો હતો. તેના પગ પ્લૅટફૉર્મ અને ટ્રેનની વચ્ચેના ગૅપમાં આવી ગયા હતા. જોકે એ વખતે ત્યાંથી ડ્યુટી પતાવીને ઘરે જઈ રહેલા કૉન્સ્ટેબલ બાળાસો ઢગેએ તરત જ દોડીને તેને પકડી લીધો હતો એટલું જ નહીં, બહાર ખેંચવા માંડ્યો હતો. તરત જ અન્ય એક વ્યક્તિ પણ દોડી આવી હતી અને તેણે પણ મદદ કરતાં તે પ્રવાસી ટ્રેનની નીચે આવી જતાં બચી ગયો હતો અને તેનો જીવ બચી ગયો હતો. કૉન્સ્ટેબલ ડ્યુટી પતાવીને ઘરે જઈ રહ્યો હતો છતાં તેણે પોતાની નૈતિક ફરજ સમજીને તે પ્રવાસીને બચાવવા ગજબની તત્પરતા બતાવી હતી.
આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શુક્રવારે ૩૦ ઑગસ્ટે અપલોડ કરવામાં આવ્યો હતો અને એ જબરદસ્ત વાઇરલ થયો હતો. લાખો લોકોએ એ વિડિયો જોયો હતો અને હજારો લોકોએ એના પર કમેન્ટ કરીને કૉન્સ્ટેબલની સમયસૂચકતાને બિરદાવી તેને લાઇક્સ આપી હતી.
એક યુઝરે લખ્યું હતું, ‘રિયલ લાઇફ હીરો’. બીજા યુઝરે લખ્યું હતું, ‘કૉન્સ્ટેબલ ઢગેને તેણે દાખવેલી હિંમત અને સમયસૂચકતા માટે ઇનામ આપવું જોઈએ. જય હો મુંબઈ પોલીસ ફોર્સ. ભવિષ્યમાં આવા વધુ સિંઘમ અને દબંગ પોલીસ જોવા મળે એવી આશા.’ અન્ય એક યુઝરે લખ્યું હતું, ‘એક વાર પોલીસ બને એટલે હંમેશ માટે પોલીસ. પછી તે ઑન ડ્યુટી હોય કે ઑફ ડ્યુટી, પુરુષ હોય કે મહિલા પોલીસ. જનતાનું રક્ષણ કરવાની તેમની ફરજ છે એની તેમને ખબર છે.’