કેન્દ્ર સરકાર સબર્બન રેલવે પર થઈ મહેરબાન

04 February, 2023 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ૫૭૭ કરોડ રૂપિયા ફાળવાયા હતા એની સામે આ વખતે ૧૧૨૧ કરોડ અપાયા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) ઃ રેલવેના પ્રોજેક્ટને આગળ વધારવા માટે કેન્દ્રના બજેટમાં ગયા વર્ષ કરતાં આ વખતે ૯૧ ટકા વધુ એટલે કે ૧,૧૨૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી)માં ગયા વર્ષે ૫૭૭ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આથી કેન્દ્ર સરકાર મુંબઈની રેલવે પર મહેરબાન થઈ હોવાનું જણાયું છે.
પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ પ્રસ્તુત કર્યું હતું એની સંપૂર્ણ માહિતી ગઈ કાલે જાહેર થઈ હતી. એમાં મુંબઈના રેલવે પ્રોજેક્ટ્સમાં અગાઉની સરખામણીમાં આ વખતે ૯૧ ટકા વધુ ફન્ડ ફાળવવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.
રેલવેના એક અધિકારીએ આ વિશે કહ્યું હતું કે ‘બજેટમાં ફાળવવામાં આવેલા ૧,૧૨૧ કરોડમાંથી ૬૫૦ કરોડ રૂપિયા એમયુટીપી ફેઝ-૩, ૩૦૦ કરોડ રૂપિયા ફેઝ-૩એ અને ૧૫૦ કરોડ રૂપિયા ફેઝ-૨ માટે વાપરવામાં આવશે. એમયુટીપી મુંબઈના સબર્બન રેલવે નેટવર્કના મહત્ત્વના પ્રોજેક્ટ્સને આગળ વધારવાની સાથે પ્રવાસીઓની કૅપેસિટી વધારવાનું કામ કરે છે. અત્યારે એમયુટીપી દ્વારા ત્રણ મહત્ત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને વર્લ્ડ બૅન્કના સહયોગથી એમયુટીપી-૧નું કામ પૂરું થઈ ગયું છે.’
રેલવે અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘ગયા વર્ષના કેન્દ્રીય બજેટમાં મુંબઈ અને પુણે માટે ૭૨૯.૫૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ વર્ષના બજેટમાં બેલાપુર-સીવુડ્સ-ઉરણ રેલવેલાઇન જે આ વર્ષે પૂરી થવાની શક્યતા છે એના માટે ૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ લાઇનથી સબર્બન રેલવે કનેક્ટિવિટીને નવી મુંબઈમાં બની રહેલા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સાથે જોડવાની સાથે રાયગડના ઉરણ-દ્રોણાગિરિ વિસ્તારને કનેક્ટ કરશે.
મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર સુભાષ ચંદ ગુપ્તાએ કહ્યું હતું કે ‘બજેટમાં ગયા વર્ષની સરખામણીએ ૯૧ ટકા વધુ ફન્ડ ફાળવવામાં આવ્યું હોવાથી એમયુટીપીના કામને ગતિ મળશે. અમે જમીન સંપાદિત કરવા માટે વધુ મહેનત કરી શકીશું.’ 

એમયુટીના પ્રોજેક્ટ્સમાં કયાં કામ થશે?
એમયુટીપી-૨
પાંચમી-છઠ્ઠી લાઈન ઃ પરેલ-કુર્લા, ડેડલાઈન માર્ચ ૨૦૨૫
છઠ્ઠી લાઈન ઃ મુંબઈ સેંન્ટ્રલ-બોરીવલી, ડેડલાઈન માર્ચ ૨૦૨૫
એમયુટીપી-૩
પનવેલ-કર્જત, ઐરોલી-કલવા નવી સબર્બન લાઈન. ચાર લાઈનનો વિરાર-દહાણુ માર્ગ. ફૂટ ઑવર બ્રીજ બનાવવા.
એમયુટીપી-૩એ
બોરીવલી-વિરાર વચ્ચે પાંચમી-છઠ્ઠી રેલવે લાઈન
કલ્યાણ-બદલાપુર વચ્ચે ત્રીજી-ચોથી રેલવે લાઈન
સીએસએમટી હાર્બર લાઈન સિગ્નલ અપગ્રેડેશન
હાર્બર લાઈનને ગોરેગામથી બોરીવલી સુધી લંબાવવી
કલ્યાણ રેલવે યાર્ડનું રીમોડેલિંગ
કલ્યાણ-આસનગાંવ વચ્ચે ચોથી રેલવે લાઈન
૯૭ નવી સ્ટેબલિંગ લાઈન્સ

mumbai news indian railways union budget