NEET-UG પેપર-લીક કૌભાંડની તપાસ માટે CBI લાતુરમાં ધામા નાખીને બેઠી

20 July, 2026 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્થિક લેવડદેવડના છેડા ક્યાં સુધી પહોંચે છે એની ચાલી રહી છે તપાસ

CBIની ફાઇલ તસવીર

આખા દેશમાં હોબાળો મચાવનારા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ–અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા શનિવારે લાતુરમાં ગવર્નમેન્ટ રેસ્ટ હાઉસમાં હંગામી ઑફિસ ઊભી કરવામાં આવી હતી. આ કેસના આરોપી પી. વી. કુલકર્ણી અને શિવરાજ મોઠેગાવકરની પૂછપરછ બાદ હવે CBI આ કેસમાં સંડોવાયેલા આરોપીઓનો આર્થિક વ્યવહાર ક્યાં અને કોની સાથે થયો હતો એની તપાસ ચાલી રહી છે. આર્થિક વ્યવહારના છેડા ક્યાં સુધી પહોંચે છે એ જાણવાનો પ્રયાસ CBI કરી રહી છે.
શનિવાર બાદ સતત બીજા દિવસે રવિવારે પણ CBIએ લાતુરમાં મુકામ રાખ્યો હતો, જેનું કારણ આ કેસના આરોપીઓ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની પૅનલના સભ્ય, રિટાયર્ડ પ્રોફેસર પી. વી. કુલકર્ણા, RCC કોચિંગ ક્લાસિસના સંસ્થાપક શિવરાજ મોઠેગાવકર તથા ડૉક્ટર મનોજ શિરૂરેની પૂછપરછ બાદ મળેલી માહિતીના આધારે CBIએ પોતાની તપાસની દિશા હવે આર્થિક વ્યવહાર તરફ વાળી છે. પૈસા ક્યાં-ક્યાંથી મેળવ્યા, કોને આપ્યા અને કુલ કેટલા રૂપિયાની લેવડદેવડ થઈ એની તપાસ માટે એણે લાતુરમાં પોતાનો મુકામ રાખ્યો છે.

RCC કોચિંગ ક્લાસિસ પર રેઇડ

શનિવારે CBIના ૮ અધિકારીઓએ લાતુરના પ્રસિદ્ધ RCC કોચિંગ ક્લાસિસની હેડ ઑફિસ પર રેઇડ પાડી હતી અને ત્રણથી ૪ કલાક સુધી તપાસ કરી હતી, જે દરમ્યાન તેમને મહત્ત્વના ડિજિટલ પુરાવા તથા અમુક દસ્તાવેજો મળ્યા હતા. 

mumbai news mumbai maharashtra news maharashtra latur central bureau of investigation neet exam