10 February, 2026 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
ઘાટકોપર-ઈસ્ટમાં એક હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓને રાહત આપતાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પૉપર્ટી-કાર્ડ રજૂ ન કરી શકે તો પણ ફ્લૅટ ખરીદનારાઓને કન્વેયન્સ મેળવવાનો અધિકાર છે.
પૉપર્ટી-કાર્ડમાં પૉપર્ટીનાં લોકેશન, હદ, માલિકીનો ઇતિહાસ અને ટ્રાન્ઝૅક્શન-રેકૉર્ડની વિગતો હોય છે જ્યારે કન્વેયન્સ-ડીડ ઔપચારિક રીતે માલિકી અને જમીન-ટાઇટલ વેચનાર પાસેથી ખરીદનારને ટ્રાન્સફર કરે છે જે માલિકીનો મહત્ત્વપૂર્ણ પુરાવો ગણાય છે.
ઘાટકોપર ચંદ્રોદય કોઑપરેટિવ હાઉસિંગ સોસાયટી (GCCHS)એ જિલ્લા ડેપ્યુટી રજિસ્ટ્રાર (II)ના આદેશને પડકારતી અરજી હાઈ કોર્ટમાં કરી હતી. રજિસ્ટ્રારે ૨૦૨૪માં ડીમ્ડ કન્વેયન્સ માટેની હાઉસિંગ સોસાયટીની અરજીને ફગાવી દીધી હતી.
ન્યાયાધીશ અમિત બોરકરે અવલોકન કર્યું હતું કે ‘પૉપર્ટી-કાર્ડ જેવા રેવન્યુ ડૉક્યુમેન્ટ રજૂ કરવામાં નિષ્ફળતા ફ્લૅટ ખરીદદારોના કન્વેયન્સ મેળવવાના મૂળ કાનૂની અધિકારને છીનવી શકતી નથી. આ આધારે GCCHSની કન્વેયન્સ અરજીને નકારી કાઢવાનો નિર્ણય યોગ્ય નથી.’