દિવસમાં બે વાર કચરો ઉપાડવાનો આદેશ આપ્યો BMCનાં કમિશનરે

30 July, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગેરકાયદે કચરો ફેંકવાના હૉટ-સ્પૉટ્સ પર CCTV કૅમેરા ગોઠવવામાં આ‍‍વશે

અશ્વિની ભિડે

મુંબઈ શહેરમાં સ્વચ્છતા-વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં કમિશનર અશ્વિની ભિડેએ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. તેમણે સંવેદનશીલ સ્થળો પરથી કચરાનો ઝડપી નિકાલ કરવાનો, ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ઘન કચરા વ્યવસ્થાપનને મજબૂત કરવાનો અને ટ્રાફિક શરૂ થાય એ પહેલાં વ્યસ્ત રસ્તાઓની સફાઈ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. કમિશનરે દરરોજ દિવસમાં બે શિફ્ટમાં કચરો એકત્રિત કરવાની, એના માટે વાહનો અને ટ્રિપ્સની સંખ્યા વધારવાની સૂચના આપી છે, જેથી વિશેષ કરીને ઝૂંપડપટ્ટી અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં કચરાના ઢગલા ન થાય.

ગેરકાયદેસર રીતે કચરો ફેંકવામાં આવતાં સંવેદનશીલ સ્થળો પર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે, જેથી જાહેર જગ્યાઓ પર કચરો ફેંકનારાઓની ઓળખ કરીને તેમની સામે દંડનીય કાર્યવાહી કરી શકાય. નદીઓ, નાળાંઓ, રસ્તાઓ અને અન્ય જાહેર સ્થળોએ ઘન કચરો ફેંકનારાઓ સામે દંડ અને જરૂર પડે ત્યાં ફોજદારી ગુના નોંધવા સુધીનાં પગલાં લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ગુરુપૂર્ણિમાના દિવસે જ દાદરની ફૂલ-માર્કેટ પર ત્રાટકી BMC

BMCના કર્મચારીઓ અને ફૂલ વેચનારાઓ વચ્ચે થયેલી બોલાચાલી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે જ્યારે ફૂલોની માગ વધુ હોય છે ત્યારે જ દાદરની ફૂલ-માર્કેટમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂલો ભરેલી પેટીઓ-ક્રેટ્સ પર બુલડોઝર ફેરવી દેવાતાં ફૂલ વેચનારાઓ તથા ફૂલ ઉત્પાદકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વધુ કમાણી થાય એવા જ દિવસે અચાનક કોઈ પણ જાતની ચેતવણી વિના કાર્યવાહી કરવામાં આવતાં ફૂલના વેપારીઓ અને BMCના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી અને વિવાદ થયો હતો.

mumbai news mumbai ashwini bhide brihanmumbai municipal corporation dadar