04 February, 2025 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૉન્ગ સાઇડ ચલાઓગે તો પંક્ચર પાઓગે
થાણે ટ્રાફિક પોલીસ અને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ સ્ટેશનની આપપાસ રૉન્ગ સાઇડમાં વાહનો ચલાવનારાઓ પર અંકુશ મૂકવા એક સાઇડ અણીદાર ખીલા ધરાવતાં સ્પીડબ્રેકર (ટાયરકિલર) રસ્તા પર ગોઠવ્યાં હતાં જેને કારણે રૉન્ગ સાઇડથી આવનારાં વાહનોનાં ટાયરમાં પંક્ચર થઈ જશે. પ્રાયોગિક ધોરણે આ ટાયરકિલર બેસાડવામાં આવ્યાં છે. જો એમાં સફળતા મળશે તો થાણેના અન્ય રસ્તાઓ પર પણ એ બેસાડવામાં આવશે એમ થાણે પોલીસે કહ્યું છે. થાણે સ્ટેશન પાસે બહુ ટ્રાફિક હોય છે એટલે ટ્રાફિક સરળતાથી ચાલતો રહે એ માટે કેટલાક રોડને વન-વે કરવામાં આવ્યા છે છતાં અનેક વાહનચાલકો ખાસ કરીને ટૂ-વ્હીલર ચલાવનાર અને રિક્ષા-ડ્રાઇવરો એમાં રૉન્ગ સાઇડથી ઘૂસીને વાહનો ચલાવતા હોય છે જેને કારણે વન-વેની એ વ્યવસ્થા ભાંગી પડે છે અને ટ્રાફિક-જૅમ સર્જાય છે. એથી તેમને રોકવા આ પગલું લેવામાં આવ્યું છે.