28 December, 2024 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં હજારોની સંખ્યામાં હાઉસિંગ સોસાયટીઓ આવેલી છે અને મોટા ભાગની સોસાયટીઓમાં નાની-મોટી સમસ્યાઓ રહેતી જ હોય છે. એથી એ વિશે એક કૉમન પ્લૅટફૉર્મ પર ચર્ચા કરવાના ઇરાદા સાથે ગઈ કાલથી થાણેમાં ત્રણ દિવસના મહા હાઉસિંગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ધ થાણે ડિસ્ટ્રિક્ટ હાઉસિંગ ફેડરેશન દ્વારા આયોજિત આ મહા સંમેલન વિશે માહિતી આપતાં એના ચૅરમૅન સીતારામ રાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઉસિંગ સોસાયટીઓમાં અનેક મુદ્દા હોય છે; જેમ કે હાઉસિંગ સોસાયટીનું મૅન્જમેન્ટ, પાર્કિંગ કે પછી પાલતુ પ્રાણીઓની સમસ્યા, ડીમ્ડ કન્વેયન્સ, રીડેવલપમેન્ટ. આ બધી બાબતો પર માહિતીનું આદાનપ્રદાન કરવાના આશય સાથે અમે આ ચર્ચાસત્ર રાખ્યું છે. આ સિવાય સોસાયટીમાં સોલર પ્લાન્ટ બેસાડવો, સિક્યૉરિટી કઈ રીતે વધુ સઘન કરવી એની પણ માહિતી આપવામાં આવી રહી છે. પાળેલાં પ્રાણીઓના મહત્ત્વના પ્રશ્ન પણ અમે ચર્ચવાના છીએ, કારણ કે પ્રશાસન દ્વારા એના માટે કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી; કેટલાં પ્રાણીઓ રાખવાં? કેવી રીતે રાખવાં? શું કાળજી લેવી વગેરે. આ પ્રાણીઓને લીધે સોસાયટીના અન્ય લોકોને ત્રાસ થતો હોય છે. આ બાબતે અમે ચર્ચા કરીને કેટલાક મુદ્દાઓ તારવી એ પ્રશાસનને આપીને એ બાબતે નિયમાવલી બનાવવાનું કહેવાના છીએ.’