તમે એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી દવા તો ખાતા નથીને?

19 May, 2026 08:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુલ મળીને ૨૬.૬૩ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

થાણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૩ (કલ્યાણ)ના ઑફિસરોએ એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી દવાઓનાં લેબલ બદલીને, એની એક્સપાયરી ડેટ લંબાવીને વેચતા બે લોકોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૨૬.૬૩ લાખ રૂપિયાની દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. મોટા ભાગે એમાં વિટામિનની ગોળીઓ અને ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હતો. પકડાયેલા આરોપીઓ અબ્દુલ કરીમ રઈસ ખાન અને બીરબલ રામદુલાર યાદવ પ્રોડક્ટ્સ પરનાં એક્સપાયરી ડેટનાં લેબલ કાઢીને નવાં લેબલ લગાડી દેતાં હતાં. ત્યાર બાદ એ માલ માર્કેટમાં વેચી દેતા હતા.    

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૩ના કલ્યાણના પોલીસ-ઇન્સ્પેક્ટર સરજેરાવ પાટીલને માહિતી મળી હતી કે જૂની ફિશ માર્કેટ પાસે આવેલા ઝુબેદા પ્લાઝાની હિના મિની બજારમાં એક કંપનીનાં એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલાં વિટામિન સપ્લિમેન્ટ્સ નવી ડેટ સાથે વેચવામાં આવી રહ્યાં છે. એથી એ દુકાન પર રેઇડ પાડીને વિટામિનની ગોળીઓ અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનના માલિક અબ્દુલ કરીમ રઈસ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કબૂલ્યું હતું કે તેને આ માલ ભિવંડીનો બીરબલ રામદુલાર યાદવ પૂરો પાડતો હતો. એથી તેની પણ ભિવંડીથી ધરપકડ કરવામાં આવી હતી. તેના ભિવંડીના ગોડાઉનમાંથી પણ એ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મળીને ૨૬.૬૩ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.    

mumbai news mumbai thane crime thane kalyan