09 March, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેસ્લાનો શોરૂમ મેકર મૅક્સિટી (ડાબે)માં આવવાનો છે અને બાજુમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં ઍપલનો સ્ટોર છે.
૨૦૨૩માં ઍપલે મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં એનો પહેલો ભારતીય સ્ટોર ખોલ્યો ત્યારે જે ઍગ્રીમેન્ટ કર્યું હતું એમાં સ્પષ્ટ લખ્યું હતું કે જે કૉમ્પ્લેક્સમાં ઍપલનો સ્ટોર હોય ત્યાં ટેસ્લાનો સ્ટોર ન હોવો જોઈએ. આમ જિયો વર્લ્ડ ડ્રાઇવમાં ટેસ્લા એનો શોરૂમ ન ખોલી શકે એવી શરત ઍપલે પહેલાં જ મૂકી દીધી હતી. જોકે હવે જાણકારી મળી છે કે આમ છતાં ટેસ્લાનો શોરૂમ ઍપલના સ્ટોરથી માત્ર ૧૨૦થી ૨૦૦ મીટરના અંતરે ખૂલવાનો છે.
જિયો વર્લ્ડ ડ્રાઇવની પાસે જ આવેલા મેકર મૅક્સિટી બિલ્ડિંગમાં ટેસ્લા કંપનીએ ૪૦૦૦ ચોરસફુટની જગ્યા પાંચ વર્ષના લીઝ પર લીધી છે અને એમાં ટેસ્લાનો પહેલો શોરૂમ ભારતમાં ખૂલવાનો છે. ૨, નૉર્થ ઍવન્યુ, મેકર મૅક્સિટી, ગ્રાઉન્ડ ફ્લોર, યુનિટ જી-વન બીમાં આવેલી આ ઑફિસનું ભાડું પ્રતિ સ્ક્વેરફુટ ૮૮૧ રૂપિયા છે અને દર મહિને ૩૫.૨૬ લાખ રૂપિયાનું ભાડું રહેશે. ટેસ્લાએ સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે ૨.૧૧ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
નવાઈની વાત એ છે કે ગૂગલ પણ ભારતમાં એની ઑફિસો ખોલવા માગે છે અને આ કંપનીએ પણ ભારતમાં ઑફિસો માટે લોકેશન શોધવાની શરૂઆત કરી દીધી છે.