04 February, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લોઅર પરેલના રેલવે યાર્ડમાં શનિવારે ૨૬ વર્ષના એક યુવકે ૧૦ વર્ષના બાળક પર જાતીય અત્યાચાર કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં ચર્ચગેટ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી છે. આરોપી બાળકને ૧૦,૦૦૦ રૂપિયા આપવાની લાલચ આપી ચર્ચગેટથી લોકલ ટ્રેનમાં બેસાડીને લોઅર પરેલ લઈ ગયો હતો અને ત્યાં પાર્ક કરેલી ટ્રેનમાં ગુનાહિત કૃત્ય કર્યું હતું.
ચર્ચગેટ GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે રડતી હાલતમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો છોકરો મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસને મળ્યો હતો. ત્યારે તે કંઈ જ બોલવાની હાલતમાં ન હોવાથી તેની માતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પાછળથી તપાસ કરતાં તેની સાથે બનેલી ઘટના તેણે માતાને કહી હતી. બાદમાં કેસ અમારા પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આરોપીએ બૅગ જોવાના બહાને બાળકને ફસાવી તેને ૧૦,૦૦૦ રૂપિયા આપીશ એમ કહીને ટ્રેનમાં એકાંત સ્થળે લઈ જઈને અત્યાચાર કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ગુપ્ત સૂત્રની માહિતીના આધારે આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપી અમારી કસ્ટડીમાં છે અને POCSO ઍક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી મધ્ય પ્રદેશનો વતની છે અને હાલમાં બેરોજગાર હોવાથી ફુટપાથ પર રહે છે. તેની સામે અગાઉ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.’