જુહુ બીચ પર ડૂબેલા ચારેય ટીનેજર ઘરેથી ક્રિકેટ રમવા નીકળ્યા હતા

14 June, 2023 10:07 AM IST  |  Mumbai | Shirish Vaktania

ચારેય ગુજરાતી તરુણોમાંથી એક જણે તો ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી; ગઈ કાલે દરેકના મૃતદેહ મળી આવ્યા હતા

ગઈ કાલે સવારે દરિયામાંથી મળેલા એક ટીનેજરના મૃતદેહને લઈ જતા પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો (તસવીર : શાદાબ ખાન)

વાકોલાના દત્ત મંદિર રોડ પર રહેતા ૮ ટીનેજર મિત્રોનું ગ્રુપ ઘરેથી ક્રિકેટ રમવા નીકળ્યું હતું, પણ ત્યાર બાદ તેઓ જુહુ બીચ પહોંચી ગયા હતા. એમાંના એકે ઘરેથી નીકળ્યા બાદ ગ્રુપ-સેલ્ફી લીધો હતો અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું, ‘જિયો તો ઐસે જિયો કિ અપના આખરી પલ હો.’

જુહુ પહોંચેલા એ મિત્રોમાંથી પાંચ મિત્રો પાણીમાં ઊતર્યા હતા અને ​બિપરજૉય વાવાઝોડની અસરને કારણે ઊંચા ઊછળેલા મોજામાં તણાઈ ગયા હતા. જોકે એક ટીનેજરને સ્થાનિક માછીમારોએ બચાવી લીધો હતો. સ્થાનિક માછીમારો, ફાયરબ્રિગેડ અને નેવીની પણ‌ મદદ લેવાઈ હતી. આખરે ગઈ કાલે બપોરે ૪ વાગ્યા સુધી બાકીના ચારેચાર ગુજરાતી કિશોર ૧૫ વર્ષનો જય રોશન તાચપરિયા, ૧૬ વર્ષનો ધર્મેશ વાલજી ભોજાઈયા, ૧૨ વર્ષનો મનીષ યોગેશ ઓગાનિયા અને તેનો ૧૫ વર્ષનો ભાઈ શુભમ યોગેશ ઓગાનિયાના મૃતદેહ મળી આવ્યા હતા. પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેમના મૃતદેહ પરિવારને સોંપાયા હતા. તેમના એક પરિવારના સભ્યએ કહ્યું કે ‘ઘરેથી તેઓ ૧૦-૨૦ રૂપિયા લઈને ક્રિકેટ રમવા ગયા હતા. અમને ખબર જ નથી કે તેઓ જુહુ બીચ પહોંચી ગયા હતા. અમને તો એ બાબતે સાંજે ખબર પડી. મરનારાઓમાં શુભમ માત્ર પંદર વર્ષનો જ હતો, પણ તેણે પરિવારના ગુજરાનની જવાબદારી ઉપાડી હતી અને તે કાંદા-બટાટા વેચતો હતો. જયને ભણવામાં રસ હતો અને એથી લોકોમાં માનીતો હતો. ગઈ કાલે જ્યારે એકસાથે તેમના મૃતદેહ ઘરે લવાયા ત્યારે પરિવાર અને સગાંસંબંધીઓની રોકકળથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.’  

juhu beach juhu vakola cyclone santacruz mumbai mumbai news shirish vaktania