08 July, 2025 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તહવ્વુર હુસૈન રાણા
૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કસ્ટડીમાં રહેલા રાણાએ સ્વીકાર્યું છે કે તે માત્ર મુંબઈમાં થયેલા હુમલાના કાવતરામાં જ સામેલ નહોતો, તે પાકિસ્તાની સેનાનો સૌથી વિશ્વાસુ એજન્ટ પણ હતો.
દિલ્હીની તિહાડ જેલમાં બંધ રાણાની તાજેતરમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમ્યાન તેણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI), આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબા અને ગલ્ફ વૉર દરમ્યાન તેની પ્રવૃત્તિઓ વિશે ઘણી મહત્ત્વપૂર્ણ વાતો કહી હતી.
તહવ્વુર રાણાએ શું કબૂલાત કરી?
તે પાકિસ્તાની સેના અને ISIનો વિશ્વાસુ એજન્ટ હતો.
તે ગલ્ફ વૉર વખતે સાઉદી અરેબિયામાં પોસ્ટેડ હતો.
તેણે પાકિસ્તાનમાં લશ્કર-એ-તય્યબાનાં તાલીમશિબિરોમાં ઘણી વખત તાલીમ લીધી હતી.
મુંબઈ હુમલાની આખી યોજના અગાઉથી બનાવવામાં આવી હતી.
આ મિશન પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સહિત અનેક સ્થળોની રેકી કરવા માટે ભારત આવ્યો હતો.
મુંબઈ પર હુમલો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની સીધી દેખરેખ હેઠળ થયો હતો.
તે આતંકવાદી ડેવિડ હેડલીનો નજીકનો મિત્ર અને સહયોગી હતો. બન્નેએ સાથે મળીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે કાવતરાં ઘડ્યાં હતાં.
૨૦૦૮માં જ્યારે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો ત્યારે તે પોતે મુંબઈમાં હાજર હતો.
કાનૂની સ્થિતિ શું છે?
હાલમાં તહવ્વુર રાણા જુડિશ્યલ કસ્ટડીમાં છે અને ૯ જુલાઈ સુધી જેલમાં રહેશે. સુરક્ષાનાં કારણોસર છેલ્લી સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં કરવામાં આવી હતી. રાણાના વકીલે તેના સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી જેના પર કોર્ટે તિહાડ જેલ પ્રશાસન પાસેથી આરોગ્ય વિશેનો અહેવાલ માગ્યો છે. સંભવ છે કે તેની આગામી પૂછપરછ પણ ઑનલાઇન કરવામાં આવશે. પૂછપરછ બાદ મુંબઈ પોલીસ હવે તહવ્વુર રાણાને પોતાની કસ્ટડીમાં લેવાની તૈયારી કરી રહી છે.
ઇમિગ્રેશન ફર્મની આડમાં આતંકવાદી કાવતરું
તહવ્વુર રાણાએ મુંબઈમાં પોતાની ઇમિગ્રેશન સર્વિસ ફર્મ ખોલી હતી જેનો હેતુ વ્યવસાય તરીકે દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં તે એનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યો હતો. ફર્મ સાથે સંબંધિત વ્યવહારોને ‘વ્યવસાયિક ખર્ચ’ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોઈ શંકા ન રહે.
હૈદરાબાદમાં માત્ર ૬ વર્ષની બાળકીનું હાર્ટ-અટૅકથી મૃત્યુ
હૈદરાબાદના પુપ્પલાગુડા વિસ્તારમાં પાંચ જુલાઈની રાતે ૬ વર્ષની એક માસૂમ બાળકીનું અચાનક હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું હતું. બાળકીનાં માતા-પિતા મહેનત-મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને રોજગાર માટે તેઓ હૈદરાબાદમાં રહેતાં હતાં. બાળકીની પ્રાથમિક તપાસ કર્યા બાદ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ હાર્ટ-અટૅક છે. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે.