તેં સમાજનું ભલું નથી કર્યું કે કોઈ સારાં કામ નથી કર્યાં, તારા પર ટાડા લગાડવામાં આવ્યો છે

17 February, 2026 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પચીસ વર્ષ જેલમાં વિતાવ્યાં હોવાથી હવે મને છોડી દેવામાં આવે એવી અબુ સાલેમની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

અબુ સાલેમ

મુંબઈ સહિત દેશભરને હચમચાવી દેનારા ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના ગુનેગાર ગૅન્ગસ્ટર અબુ સાલેમે પચીસ વર્ષ જેલમાં કાઢ્યાં હોવાથી હવે તેને છોડી મૂકવામાં આવે એવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. કોર્ટે એ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે ‘તેં સમાજનું કોઈ ભલું કે કોઈ સારું કામ કર્યું નથી, વળી તને ટાડા હેઠળ સજા કરવામાં આવી છે. તને શિક્ષા દરમ્યાન જે માફી મળવી જોઈએ એ દિવસોને ગણતરીમાં લઈને તેં આ અરજી કરી છે?’

અબુ સાલેમની ૨૦૦૨માં બનાવટી પાસપોર્ટ ધરાવવા બદલ પોર્ટુગલમાં ધરપકડ કરવામાં આવી હતી. એ પછી ભારત સરકારે પોર્ટુગલ સરકારને રજૂઆત કરીને તેના પ્રત્યર્પણની માગણી કરી હતી. એ વખતે પોર્ટુગલ સરકારે શરત મૂકી હતી કે તેમના દેશમાં ફાંસીની શિક્ષા નથી અને મૅક્ઝિમમ જેલ પચીસ વર્ષની થઈ શકે છે એથી તેને ફાંસી આપવામાં નહીં આવે અને સજા પચીસ વર્ષ સુધીની હશે. ભારત સરકારે એ શરતોને માન્ય રાખી હતી. એ પછી ૨૦૦૫માં તેને ભારતના કબજામાં સોંપ્યો હતો.  

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સામે અબુ સાલેમની અરજીની સુનાવણી થઈ હતી. કોર્ટે તેની અરજી ફગાવતાં કહ્યું હતું કે અબુ સાલેમે સમાજનું કોઈ ભલું કર્યું નથી, તેને ટાડા હેઠળ શિક્ષા થઈ છે.

mumbai news mumbai Crime News mumbai crime news supreme court