✕

સુપ્રીમ કોર્ટમાં તુકારામ મુંઢેનો વિજય

07 October, 2026 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણેની મીઠાઈની દુકાનને નુકસાનીપેટે પાંચ લાખ રૂપિયા આપવાના બૉમ્બે હાઈ કોર્ટના આદેશને રદ કર્યો સર્વોચ્ચ અદાલતે, કહ્યું કે અૅક્શન પબ્લિકની હેલ્થના હિતમાં લેવાઈ હતી

તુકારામ મુંઢે

સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈ કોર્ટના મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને પુણેની ડેરી અને મીઠાઈની દુકાનને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ રદ કર્યો છે અને કહ્યું છે કે ફૂડ-સેફ્ટીની કાર્યવાહી જાહેર આરોગ્યના હિતમાં અને કાયદાકીય માળખામાં લેવામાં આવી હતી.
આ કેસ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિરુદ્ધ મેસર્સ ગુરુનાનક ડેરી ઍન્ડ સ્વીટ્સ સાથે સંબંધિત છે. આ વિવાદ એક ઇન્સ્પેક્શન બાદ દુકાનનું ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવા પર ફોકસ હતો જેમાં અધિકારીઓએ સ્વચ્છતા, રેકૉર્ડની જાળવણી, લેબલિંગ અને કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા સંબંધિત ખામીઓ શોધી કાઢી હતી. વળી મલાઈ પેંડાના નમૂના અસુરક્ષિત જણાતાં આ કાર્યવાહી ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ 2006 હેઠળ કરવામાં આવી હતી.
૨૦૨૬ની ૧૨ જૂને FDAના પુણે યુનિટના ફૂડ-સેફ્ટી અધિકારીઓએ ફરિયાદ બાદ દુકાનનું નિરીક્ષણ કર્યું હતું અને ઍનૅલિસિસ માટે ખાદ્ય-નમૂના એકત્રિત કર્યા હતા. ત્યાર બાદ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. માલિકે ૧૫ જૂને દાખલ કરેલી કાનૂની અપીલ દ્વારા FDAના કમિશનર સમક્ષ કાર્યવાહીને પડકારી હતી. દુકાનદારા દ્વારા ત્યાર બાદમાં ૯ જુલાઈએ કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
રાજ્યના જણાવ્યા મુજબ FDAએ કમ્પ્લાયન્સ રિપોર્ટ પ્રાપ્ત થયાના માત્ર ૪ દિવસ પછી ૧૩ જુલાઈએ ફરી ઇન્સ્પેક્શન કર્યું. ત્યાર બાદ આ મામલો ૨૦૨૬ના રિટ પિટિશન-નંબર ૯૯૦૫ દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં પહોંચ્યો. ૧૭ ઑગસ્ટે હાઈ કોર્ટે ફૂડ-લાઇસન્સનું સસ્પેન્શન રદ કર્યું અને દુકાનને થયેલા કથિત વ્યાવસાયિક નુકસાન માટે વળતર તરીકે પાંચ લાખ રૂપિયા જમા કરાવવાનો FDAને નિર્દેશ પણ આપ્યો.
મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ વળતરના નિર્દેશને પડકાર્યો. એણે દલીલ કરી હતી કે FDAએ અસુરક્ષિત ખોરાકના નમૂના મળી આવ્યા પછી કાર્યવાહી કરી હતી અને નિરીક્ષણમાં ઘણી નિયમનકારી ખામીઓ બહાર આવી હતી. રાજ્યએ એ પણ રજૂઆત કરી હતી કે એસ્ટૅબ્લિશમેન્ટ દ્વારા દાખલ કરાયેલી કાનૂની અપીલ કમિશનર સમક્ષ પેન્ડિંગ છે અને એને ઑર્ડર માટે અનામત રાખવામાં આવી છે. સરકારે વધુમાં દલીલ કરી હતી કે FDAએ દુર્ભાવનાપૂર્ણ, મનસ્વી રીતે અથવા વ્યવસાયને નાણાકીય નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કાર્ય કર્યું છે એ દર્શાવવા માટે કોઈ મટીરિયલ નથી. એણે દલીલ કરી હતી કે કાયદાકીય પ્રક્રિયા દરમ્યાન લાગેલો સમય સરકાર પર વળતર લાદવાનું વાજબી ઠેરવી શકે નહીં.
આ રજૂઆતો પર વિચાર કર્યા પછી સુપ્રીમ કોર્ટે FDAને પાંચ લાખ રૂપિયા ચૂકવવા માટેના બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશને રદ કર્યો હતો અને વળતરનો આદેશ રદ કર્યો હતો.

mumbai news mumbai supreme court tukaram mundhe food and drug administration pune news pune