04 April, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી ન્યાયાધીશોની બેઠકમાં તમામ ન્યાયાધીશોએ પોતાની સંપત્તિની વિગત જાહેર કરવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. બેઠકમાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સહિત ૩૦ ન્યાયાધીશોએ પોતાની સંપત્તિને કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવા માટે સાર્વજનિકરૂપે પ્રગટ કરવા સંમતિ વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર પહેલી એપ્રિલે યોજાયેલી બેઠકમાં ન્યાયાધીશોએ સંકલ્પ કર્યો હતો કે ન્યાયાધીશ જ્યારે પણ પદભાર સંભાળશે અથવા કોઈ મુખ્ય જવાબદારી સંભાળશે તો તેમણે ચીફ જસ્ટિસ સામે પોતાની સંપત્તિની જાહેરાત કરવી પડશે.
અત્યાર સુધી ૧૯૯૫ના એક પ્રસ્તાવ અનુસાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પોતાની સંપત્તિની જાહેરાત ચીફ જસ્ટિસ સમક્ષ કરવાની રહેતી હતી. ૨૦૦૯ના એક નિર્ણયમાં કોર્ટની વેબસાઇટ પર સંપત્તિની જાહેરાતના સ્વૈચ્છિક પ્રકાશનની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બધા ન્યાયાધીશોએ એમ કરવાનું પસંદ કર્યું નહોતું. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સામૂહિક રીતે સંપત્તિ જાહેર કરવા સંમતિ આપી છે. જે ન્યાયાધીશોએ પોતાની સંપત્તિની જાહેરાત કરી એમાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ન્યાયાધીશ બી. વી નાગરત્ના, ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ જે. કે. માહેશ્વરી સામેલ છે. જાહેરાતનો આખો સેટ સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આ પગલું જસ્ટિસ યશવંત વર્માનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ લીધું છે. દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના આવાસ પર આગ લાગવાની ઘટના બાદ કથિતરૂપે રોકડા રૂપિયાની બળેલી થપ્પીઓ મળી હતી. વિવાદ બાદ તેમની બદલી અલાહાબાદ હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમની બદલી રોકડ મળ્યાના વિવાદ સંબંધિત નથી.