પુણે પછી હવે નાગપુરમાં દારૂ પીને છાકટા થયેલા યુવાનોને લીધે હાહાકાર

18 June, 2024 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્ટી કરીને ઘરે જતા યંગસ્ટરોએ ફુટપાથ પર સૂતા ૯ જણ પર કાર ચડાવી દીધી, બે જણના જીવ ગયા

લૅન્ડક્રુઝર કાર

સલમાન ખાને ૨૦૦૨માં બાંદરામાં બૅકરીની બહાર સૂતેલા લોકો પર લૅન્ડક્રુઝર કાર ચડાવીને ચાર લોકોને કચડી દેવાની ઘટનાની યાદ તાજી કરાવે એવી ઘટના રવિવારે મોડી રાતે નાગપુરમાં બની હતી. બર્થ-ડે પાર્ટીમાં ડ્રિન્ક કર્યા બાદ કાર ફુટપાથ પર ચડાવી દેવાના મામલામાં ૯ લોકો કચડાયા હતા, જેમાં એક બાળક સહિત બે જણનાં મૃત્યુ થયાં હતાં. કારમાં વીસથી બાવીસ વર્ષના ૭ યુવાન હતા પોલીસે કાર ચલાવનારા આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ઘાયલ થનારાઓને હૉસ્પિટલમાં અૅડ‍્મિટ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પુણેનો પૉર્શે-કાંડ હજી તાજો જ છે ત્યાં નાગપુરમાં યુવાનોની ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ નાગપુરના વાઠોડા પોલીસ-સ્ટેશનની હદમાં દિઘોરી નાકા પાસે રવિવારે મોડી રાતે ૧૨.૩૦ વાગ્યે એક અર્ટિગા કારે ફુટપાથ પર સૂતેલા ૯ લોકોને કચડ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત બાદ આરોપીએ પલાયન થવાના ચક્કરમાં કારને આગળ-પાછળ કરતાં નીચે કચડાયેલા લોકોને ગંભીર ઈજા થઈ હતી.

આ ગંભીર ઘટના બાદ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આરોપીઓને કઠોર સજા કરવામાં આવશે. ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ કરનારાઓને કાબૂમાં રાખવા માટે રાતના સમયે પૅટ્રોલિંગ વધારવાના નિર્દેશ તેમણે પોલીસને આપ્યા હતા. 

mumbai news mumbai pune nagpur road accident devendra fadnavis