14 February, 2024 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આર્યન પ્રકાશ
જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જેઈઈ) મેઇન સેશનનું પહેલું પરિણામ જાહેર થતાં મુંબઈનો અંધેરીનો આર્યન પ્રકાશ મહારાષ્ટ્રના ત્રણ ટૉપર્સમાંના એક બન્યો છે. દેશમાંથી ૨૩ જણને ૧૦૦ પર્સન્ટાઇલ મળ્યા છે. એમાં મહારાષ્ટ્રના ત્રણ છે. આર્યને ત્રણેય વિષયમાં ૧૦૦ માર્ક્સ સાથે ૧૦૦ ટકા મેળવ્યા છે. આટલા સારા ટકા આવ્યા હોવા છતાં આર્યન રિઝલ્ટથી પ્રભાવિત નથી અને તેણે પહેલેથી જ જેઈઈ ઍડ્વાન્સ્ડ માટે તૈયારી શરૂ કરી દીધી છે, કારણ કે તેણે આઇઆઇટી બૉમ્બેમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (સીએસઈ) બાન્ચમાં પ્રવેશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આર્યને દસમા ધોરણમાં પણ તેની સ્કૂલમાં ટૉપ કર્યું હતું.
આર્યન અંધેરીની નારાયણ જુનિયર કૉલેજનો વિદ્યાર્થી છે. આર્યનને મૅથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ત્રણેય વિષયમાં ૧૦૦ ટકા માર્ક્સ આવ્યા છે. અંધેરીમાં મરોલ રોડ પર રહેતા આર્યનનાં માતા-પિતા ઇન્કમ ટૅક્સ વિભાગમાં કામ કરે છે. આર્યને ગણિત પ્રત્યેના તેના જુસ્સાને સમજ્યા પછી સંપૂર્ણપણે અલગ કારકિર્દી પસંદ કરી હતી. તેણે જણાવ્યું હતું કે ‘આઠમા ધોરણથી જેમ-જેમ હું વધુ સમજવા લાગ્યો એમ મેં એન્જિનિયરિંગનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું હતું. એથી ત્યાર બાદ હું મારા બધા પ્રયાસો આ માર્ગ પર જ કરવા લાગ્યો હતો.’