મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચુસ્ત લૉકડાઉન લગાડવામાં આવશે : ઉદ્ધવ

12 March, 2021 07:31 AM IST  |  Mumbai | Agency

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચુસ્ત લૉકડાઉન લગાડવામાં આવશે : ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે કોરોનાના પ્રસારને નિયંત્રિત કરવા માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડક લૉકડાઉન લાગુ કરવામાં આવશે.

૬૦ વર્ષના ઉદ્ધવ ઠાકરેએ સરકાર દ્વારા સંચાલિત જે. જે. હૉસ્પિટલ ખાતે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૪,૩૧૭ નવા કેસ નોંધાયા હતા, જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલો સૌથી ઊંચો આંક છે. એને પગલે રાજ્યમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૨૨,૬૬,૩૭૪ થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં આ બીમારીને કારણે ૫૨,૬૬૭ મોત નોંધાયાં હતાં.

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કોરોનાના સંક્રમણનો પ્રસાર અટકાવવા માટે કડક લૉકડાઉન લાગુ કરવામાં આવશે. સરકાર લૉકડાઉનના નિયમો લાગુ કરતાં પહેલાં અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજશે એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર લોકોને માસ્ક પહેરવાની, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની અને જરૂરી ન હોય તો બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરતી આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની હાલત ચિંતાજનક : નીતિ આયોગ

મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોમાં કોરોનાના વધી રહેલા ઍક્ટિવ કેસ વિશે ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્ર સરકારે ગુરુવારે લોકોને તકેદારી રાખવાની અપીલ કરી હતી અને મહામારી હજી પૂરી ન થઈ હોવાથી સાવચેતી વર્તવાની સલાહ આપી હતી.

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી. કે. પૉલે ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને ‘ચિંતાજનક’ ગણાવી હતી. નાગપુરમાં ૧૫થી ૨૧ માર્ચ સુધીના લૉકડાઉનને ટાંકીને તેમણે કહ્યું હતું, (કોરોનાના પ્રસારને કાબૂમાં લેવા માટે) આ પગલાં ફરી લાગુ કરવાની સ્થિતિ આવી ગઈ છે.

મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા વધતાં અમે ચિંતિત છીએ. આ વાઇરસને હળવાશથી ન લેશો. એ અણધાર્યો આવી શકે છે. જો આપણે આ વાઇરસથી મુક્ત રહેવું હોય તો કોરોનાથી સાવધાની વર્તતી વર્તણૂક, કન્ટેનમેન્ટની રણનીતિ તથા રસીકરણનો અમલ કરવો પડશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે સલાહ આપી હતી કે કોરોનાના કેસ જ્યાં વધી રહ્યા છે એવાં રાજ્યોમાં યોગ્યતા ધરાવનારી વ્યક્તિઓનું રસીકરણ કરવાની કામગીરી સઘન બનાવવી જોઈએ.

કેસમાં થયેલા વધારા માટે કોરોના વાઇરસનો મ્યુટન્ટ સ્ટ્રેન જવાબદાર છે કે કેમ, એવો પ્રશ્ન પૂછાતાં આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં થયેલા વધારા માટે મ્યુટન્ટ સ્ટ્રેન જવાબદાર હોવાનું જાણવા મળ્યું નથી.

mumbai mumbai news maharashtra coronavirus covid19 uddhav thackeray lockdown